- ચારેય યુવાનો ધાતરવાડી નદીમાં નહાવા માટે ગયા હતા,
- ત્રણ દિવસ બાદ ચારેય યુવાનોના મૃતદેહ મળ્યા,
- મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જતા છેલ્લા ત્રણ દિવસથી અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની ભારે જહેમત અને શોધખોળ બાદ ડૂબી ગયેલા ચારેય યુવાનોના મૃતદેહ એક બાદ એક મળી આવ્યા છે. આ બનાવથી રાજુલા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આ બનાવની વિગત એવી હતી કે, રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવની જાણ કરાતા અમરેલી ફાયર વિભાગની ટીમે ડૂબી ગયેલા યુવાનોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન 29મી ઓક્ટોબરે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામ પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે આજે 30મી ઓક્ટોબર સવારે કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી મળી આવ્યો હતો. જ્યારે ચોથા યુવકનો મૃતદેહ આજે બપોરે ઘાતરવડી ડેમ પાસેના માડરડીથી જાપોદેરના પુલ નજીકની મળી આવ્યો છે
આ ગંભીર દુર્ઘટનામાં ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા, જેના કારણે એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતદેહોની શોધખોળમાં ફાયર વિભાગની ટીમે ત્રણ મૃતદેહો શોધી કાઢ્યા હતા, જ્યારે એક મૃતદેહ શોધવામાં NDRFની ટીમે પણ મદદ કરી હતી. નદીમાં ડૂબી જવાની આ ગંભીર દુર્ઘટનાએ રાજુલા પંથકના ગ્રામજનોને હચમચાવી દીધા છે. સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવને પગલે વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


