
ગોંડલમાં જયરાજસિંહના બંગલા પાસે પિતા પૂત્રને મારમાર્યા બાદ ગુમ થયેલા પૂત્રની લાશ મળી
- પિતાએ પૂત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી
- પૂત્રની હત્યા થઈ હોવાનો પિતાનો આક્ષેપ
- પરિવારે ફોરેન્સિક પીએમની કરી માગ
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીકથી પસાર થતાં રાજકૂમાર ચૌધરી અને તેના પિતાને બંગલા પાસે બાઈક ઊભુ રાખવાને મામલે મારમારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બનાવના બીજા દિવસે રાજકૂમાર ચૌધરી નામનો યુવાન ગુમ થયો હતો, આ મામલે રાજકૂમારના પિતાએ ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા અને ત્યારબાદ કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવકનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા હતા. આ બનાવમાં મૃતકના પરિવારે પોતાના પૂત્ર રાજકૂમારનું અકસ્માતમાં નહીં પણ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની માગ કરી છે.
ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. મૃતકના પિતાએ એવો આક્ષેપ કર્યો છે. કે, મેં જે અગાઉ કીધું હતું તે થયું છે. મારા દીકરા સાથે શું થયું, શું નહીં તેની મને ખબર નથી. મારી સાથે જે બનાવ બન્યો ત્યારથી હું એક જ વાત કહી રહ્યો છું, અમને ન્યાય જોઈએ છીએ. હું 30 વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પ્રથમ વખત બન્યું છે. મારા દીકરાની હત્યા થઈ હોય તેવી મને શંકા છે, જે પણ હોય અમને બસ ન્યાય જોઈએ છે. દરમિયાન ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમને કહ્યું છે કે આ ઘટનાને જાટ સમાજ સહન નહી કરે. આ ઘટના સંસદમાં ઉઠાવીશ.
આ બનાવની વિગતો એવી હતી કે, ગોંડલથી ગત 3 માર્ચે રાજકુમાર રતનલાલ ચૌધરી (જાટ) નામનો યુવક ગુમ થયો હતો. રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. તેમજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનાં બંગલા પાસે બાઈક ઉભુ રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. જોકે, આ ઘટનાના બીજા દિવસે રાજકુમાર ગુમ થતા પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતા રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી છે, જેને લઈને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરી છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ પણ હાથ ધરી છે. યુ.પી.એસ.સી.ની તૈયારી કરતા પુત્રના મોતથી પરિવાર ભાંગી પડ્યો છે.