
બ્રિટને રશિયાની ઓઈલ કંપની સામે લગાવ્યો પ્રતિબંધ, ભારતીય કંપની સામે પણ કાર્યવાહી
લંડન: યુક્રેન યુદ્ધને લઈ રશિયા ઉપર આર્થિક દબાણ વધુ કડક બનાવતાં બ્રિટન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ વખતે નિશાને માત્ર રશિયા જ નહીં, પરંતુ ભારત અને ચીનની કેટલીક તેલ કંપનીઓ પણ આવી ગઈ છે. બ્રિટિશ સરકારે રશિયાની ફંડિંગ અટકાવવા માટે નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રતિબંધોમાં ભારતની અગ્રણી ખાનગી તેલ રિફાઇનરી નાયારા એનર્જીનું નામ પણ સામેલ છે, જે રશિયાથી મોટા પાયે કાચું તેલ ખરીદતી રહી છે.
બ્રિટિશ ચાન્સેલર રેચેલ રીવ્સએ જણાવ્યું કે, “રશિયા ધીમે ધીમે વૈશ્વિક તેલ બજારમાંથી બહાર થઈ રહ્યું છે અને અમે ખાતરી કરીશું કે કોઈ દેશ કે કંપની તેને સહારો ન આપે. રશિયાના તેલ માટે હવે વૈશ્વિક બજારમાં કોઈ જગ્યા નથી.” નાયારા એનર્જી ભારતની અગ્રણી ખાનગી તેલ રિફાઇનરી કંપની છે, જેણે ગયા વર્ષે રશિયાથી રેકોર્ડ સ્તરે કાચું તેલ ખરીદ્યું હતું. અહેવાલો મુજબ, 2024માં નાયારાએ આશરે 100 મિલિયન બેરલ રશિયન કાચું તેલ આયાત કર્યું હતું, જેની કિંમત આશરે 5 અબજ ડોલર (લગભગ રૂ. 41,000 કરોડ) હતી. બ્રિટનનું માનવું છે કે ભારત અને ચીનની કેટલીક કંપનીઓ દ્વારા રશિયાથી થતી ખરીદી તેના યુદ્ધને આર્થિક રીતે ટકાવી રાખવામાં મદદરૂપ બને છે. તેથી, નાયારા એનર્જી પર પ્રતિબંધ લગાવી બ્રિટન રશિયાના આર્થિક સહયોગીઓને નિશાને લેવા ઈચ્છે છે.
બ્રિટને માત્ર ભારતીય કંપની જ નહીં, પરંતુ રશિયાની બે મોટી તેલ કંપનીઓ અને તેની “શેડો ફલીટ” પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ એવી જહાજોની ટુકડી છે, જે સમુદ્રી દેખરેખથી બચીને વિવિધ દેશોમાં રશિયન તેલ પહોંચાડે છે. બ્રિટિશ સરકારે જણાવ્યું કે આવા 44 જેટલા ટાંકર્સ દરરોજ લાખો બેરલ તેલ લઈને વૈશ્વિક બજારમાં ફરતા હોય છે. આ પર પ્રતિબંધ લગાવવાથી રશિયાના આંતરરાષ્ટ્રીય તેલ વેપારને ભારે ફટકો લાગશે. બ્રિટનના આ પગલાથી વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે. જો રશિયાની સપ્લાય અટકશે તો તેલના ભાવોમાં તાત્કાલિક ઉછાળો આવી શકે છે. બીજી બાજુ, રશિયા પોતાના જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે ભારે ડિસ્કાઉન્ટ પર તેલ વેચી શકે છે, જેના કારણે કેટલીક બજારોમાં ભાવ ઘટી શકે છે.
આ નિર્ણયને એક મોટી ભૂ-રાજકીય વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યો છે. બ્રિટન બતાવવા માગે છે કે હવે જે પણ દેશ રશિયાના ઊર્જા વેપારમાં જોડાયેલો છે, તેને પણ જવાબદાર ગણવામાં આવશે. જોકે, આ નિર્ણયથી ભારત-બ્રિટન વચ્ચે આર્થિક તણાવ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે, કારણ કે નાયારા એનર્જી ભારતની ઊર્જા જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ છે. બ્રિટનનું કહેવું છે કે તેનો ઉદ્દેશ અન્ય દેશો સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ રશિયાની આર્થિક શક્તિને નબળી પાડવાનો છે.