નવા કરવેરાના ભારણ વિના બજેટમાં ગત વર્ષ કરતા કદમાં 10.2 ટકાનો વધારો થયોઃ નાણા મંત્રી
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું રૂપિયા 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યુ હતું, નાણામંત્રીએ બજેટ રજુ કર્યા બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના આ બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ત્રણ કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે.
તેમણે કહ્યુ હતું કે, આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું.સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના આ બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ છે.
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20 ટકા એટલે કે 64 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવાશક્તિના નિર્માણ માટે બજેટમાં ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. તેમજ આરોગ્ય સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19 ટકા તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે શહેરી વિકાસ માટે 11 ટકાની ફાળવણી થઈ છે તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનની નેમ સાકાર કરશે.
આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઉંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે. ભગવાન બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઇ-સ્પીડ કોરીડોરમાં રૂપિયા 800 કરોડના રોકાણ દ્વારા નેક્સટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે.


