
- જીકાસ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાનો પ્રારંભ થયો, ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિ.એ કર્યો નિર્ણય,
- માત્ર D પ્રવેશમાં UGCના અમલ કરવાનો દેખાડો કરાયો,
- અન્ય સરકારી યુનિવર્સિટીઓ કરતા સૌરાષ્ટ્ર યુનિનો નોખો સૂર કેમ?
રાજકોટઃ યુજીસીની ગાઈડલાઈન મુજબ દેશની તમામ યુનિવર્સિટીઓમાં પી.એચડીમાં પ્રવેશ માટે નેશનલ એલિજીબીલીટી ટેસ્ટ (નેટ) પાસ કરવી ફરજિયાત છે. જો કે ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં નેટ પાસ થવાનો નિયમ એક વર્ષ પુરતો મુલત્વી રાખીને પીએચ.ડી.માં પ્રવેશ માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું 1 લી ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલે તા. 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓએ NET એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને પીએચ.ડીમાં પ્રવેશ મળશે. જેનાથી ભૂતકાળમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી પરીક્ષા રદ ગણાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણય સામે અસંતોષ ઊભો થયો છે.
ગુજરાત સરકારની સુચના બાદ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પીએચ.ડીમાં એડમિશન માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન ફોર્મ સ્વીકારવાનું શરૂ કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. ડોડિયાની ગેરહાજરીમાં કાર્યકારી કુલસચિવ ડૉ. પરમારે પીએચ.ડી.માં પ્રવેશ માટે પરિપત્ર બહાર પાડી દીધો છે. નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે તેવું પરિપત્રમાં ટાંકવામાં આવ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NET પરીક્ષા પાસ હોય તેવા વિદ્યાર્થીઓને જ પીએચ.ડી.મા એડમીશન મળશે તેવા નિર્ણયથી અગાઉ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી છે તેવા તમામ વિદ્યાર્થીઓને અન્યાય થશે. ગાઇડના અભાવે ગત વર્ષે પીએચ.ડી.માં એડમીશન ન મેળવી શકતા વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ ન મળતા તેઓમાં ભારે કચવાટ ફેલાયો છે.