સુરત, 16 ફેબ્રુઆરી 2026: દાંડી-નરથાણ રોડ પર મધરાત બાદ પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડ પર આવેલી કાચી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં ઓછી પાણી હોવાથી કારમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો, કારના ચાલકે જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમે દોડી આવી હતી. ગ્રામજનોની મદદથી દંપતી અને તેમના બે માસૂમ પુત્રને બહાર કઢાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના ઓલપાડના નરથાણ ગામમાં માલબારી હોમ્સમાં રહેતા 36 વર્ષીય મનીષ રાઠોડ તેમની પત્ની ખુશ્બુ (ઉં.વ.34) તેમનો 8 વર્ષીય પુત્ર વ્યોમ અને દોઢ વર્ષનો પુત્ર વ્યાન સાથે મોડી રાત્રે અમરોલી ખાતે રહેતા પરિવારના સભ્યોને મળીને કારમાં પરત ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન દાંડી નરથાણ રોડ પર કુકણી ગામ પાસે અંભેટા રોડ પર અચાનક સ્ટીયરિંગ પરનું બેલેન્સ ગુમાવતા કાર પલટી ખાઈને કાચી નેહરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જોકે નેહરના ઓછા પાણીમાં કાર હોવાથી મનીષે હિંમત દાખવીને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
આ અંગે કુકણીગામમાં જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા. 20 મિનિટ બાદ કારનો દરવાજો ખોલી, ત્યાંના લોકોએ સહી સલામત પરિવારના ચારેય સભ્યને વારા ફરતી બહાર કાઢ્યા હતા. સદનસીબે દંપતી અને તેમના બંને માસૂમ પુત્ર જરા પણ ઈજા ન થતા ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, ફાયરબ્રિગેડના જવાનો ત્યાં પહોંચે તે પહેલાં તેઓને સ્થાનિકો દ્વારા નહેરમાં ખાબકેલી કારમાથી તમામને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.


