- રાજસ્થાની યુવાનને દૈનિક 650ના પગારે વદ્ધ પિતાની સંભાળ માટે કામે રાખ્યો હતો
- રોકડ સહિત લાખોની મત્તા સાથે કેરટેકર રાજસ્થાન પાસિંગની કારમાં નાસી ગયો
- પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં રહેતા એક પરિવારે વૃદ્ધ પિતાની સેવા-ચાકરી માટે રાખવામાં આવેલો કેરટેકરે જ વેપારીના ઘરમાં હાથફેરો કરી, લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરીને રફુચક્કર થઈ જતા આ બનાવની એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવરંગપુરામાં રહેતા અને વ્યવસાયે વેપારી રણજીત મોદીએ તેમના વૃદ્ધ પિતા શ્યામસુંદરભાઈની સારવાર અને સંભાળ માટે ‘સુપર પેશન્ટ કેર’ નામની સંસ્થા મારફતે અંકુશ સુરજમલ મનાત (રહે. ડુંગરપુર, રાજસ્થાન) નામના યુવકને દૈનિક રૂ. 650ના પગારે કામે રાખ્યો હતો. ઘરમાં કામ કરતી વખતે અંકુશની નજર ઘરના સભ્યોની ગતિવિધિ પર હતી. ફરિયાદીના માતા જ્યારે ટેરેસ પર જતા ત્યારે તિજોરીની ચાવી ગાદલા નીચે મૂકતા હતા. આ વાતની જાણ કેરટેકરને થઈ જતા તેણે તકનો લાભ ઉઠાવી તિજોરી સાફ કરી નાખી હતી.
વેપારીએ 2 ડિસેમ્બરે લોકર તપાસતા ચોરીની જાણ થઈ હતી. જેથી સોસાયટીના CCTV ફૂટેજ ચેક કરતા સામે આવ્યું કે, ગત તારીખ 20 નવેમ્બરે કેરટેકર અંકુશ જેકેટમાં બેગ સંતાડીને બહાર નીકળ્યો હતો અને બહાર ઉભેલી રાજસ્થાન પાસિંગની અર્ટિગા કારમાં બેસી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ વેપારીએ એજન્સીના માલિકનો સંપર્ક કર્યો હતો. જેમણે કેરટેકર અંકુશના પિતા સુરજમલ સાથે વાત કરાવતા પિતાએ ફોન પર કબૂલાત કરી હતી કે, મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે, હું બે દિવસમાં તમામ વસ્તુ પરત આપી દઈશ. જોકે, લાંબો સમય વીતવા છતાં ચોરાયેલો મુદ્દામાલ પરત ન મળતા આખરે વેપારીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અંકુશ મનાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસને કરેલી ફરિયાદમાં એવુ જણાવવામાં આવ્યું છે કે, કેરટેકર અંકુશ મનાતે 30,000 રૂપિયા રોકડા અને 5,52,000ની કિંમતના સોના, ચાંદી અને ડાયમંડના દાગીના ચોરી લીધા છે. જેમાં ડાયમંડની બે બંગડી, પન્ના ડાયમંડની બે બંગડી, સોનાની હીરા સાથેની એક ચેઇન, ગોલ્ડ કોઈનનું પેન્ડલ ચેઇન સાથેનું, સોનાની બે બંગડી, સોનાના સિક્કા, માણેકના નંગવાળી સોનાની બે અંગૂઠી, હીરાના નંગવાળી સોનાની બે અંગૂઠી સામેલ છે.


