વિદ્યાર્થીઓની આત્મહત્યા મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત, કોચિંગ સેન્ટરો માટે નવા માર્ગદર્શક નિયમો તૈયાર
નવી દિલ્હી: દેશભરમાં વધતા વિદ્યાર્થી આત્મહત્યાના બનાવો અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સોગંદનામુ દાખલ કર્યું છે. સરકારે કોર્ટને જણાવ્યું છે કે કોચિંગ સેન્ટરોની વ્યાખ્યા, નોંધણીની શરતો, ફી માપદંડો અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય જેવા તમામ મુદ્દાઓ પર નવા માર્ગદર્શક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આ નિયમોને રાષ્ટ્રીય કાર્યબળ (National Task Force – NTF)ના અંતિમ રિપોર્ટના આધારે વધુ મજબૂત બનાવવામાં આવશે.
કેન્દ્રે એફિડેવીટમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તમામ પાસાઓ પર NTF કામ કરી રહ્યું છે અને તેની રિપોર્ટ ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ એફિડેવીટ મત્રાલયે તાજેતરમાં જારી કરાયેલા દિશા-નિર્દેશોના અમલીકરણને ધ્યાનમાં રાખીને દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટએ 27 ઑક્ટોબરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે તેઓ 8 અઠવાડિયામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ સંબંધિત પગલાં અંગે માહિતી રજૂ કરે.
કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ વિભાગે હલફનામામાં સ્પષ્ટ કર્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોર્ટના દિશા-નિર્દેશોની જાણ કરી દેવામાં આવી છે. રાજ્યો હવે જિલ્લા સ્તરે દેખરેખ સમિતિઓની રચના કરી રહ્યા છે, જે કોચિંગ સેન્ટરો અને શિક્ષણ સંસ્થાઓની દેખરેખ રાખશે. એફિડેવીટમાં ઉલ્લેખ કર્યો છે કે CBSE અને UGC પહેલેથી જ અનેક મહત્વપૂર્ણ પગલાં લઈ ચૂક્યા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ સંબંધિત કાયદા પણ અમલમાં છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કોચિંગ સેન્ટરો માટે વિગતવાર દિશા-નિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:
* કોચિંગ સેન્ટરની સ્પષ્ટ વ્યાખ્યા
* નોંધણી માટે જરૂરી દસ્તાવેજો અને શરતો
* ફી માળખું અને પરત નીતિ
* બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માપદંડો
* માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગ પર ભાર
* બેચમાં વિભાજન ન કરવું
* આચાર સંહિતા અને રેકોર્ડનું જતન
એફિડેવીટમાં જણાવ્યા અનુસાર, કોચિંગ સેન્ટરોની સતત દેખરેખ, ફરિયાદ નિવારણ તંત્ર, દંડ અને નોંધણી રદ કરવાની પ્રક્રિયા માટે પણ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની બેન્ચ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાએ કેન્દ્રને આ દિશા-નિર્દેશો અમલમાં લાવવાની જવાબદારી સોંપી છે.


