
હલકી અને નકલી દવાઓ મુદ્દે કેન્દ્ર સરકાર બનાવશે આકરો કાયદો
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મોત બાદ કેન્દ્ર સરકારે દેશમાં હલકી ગુણવત્તાવાળી અને નકલી દવા ઉપર ગાળીયો કસવા માટે કવાયત તેજ બનાવી છે. આ મામલે સરકાર નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં દવાની ગુણવત્તા, તપાસ અને બજાર ઉપર નજર રાખવા માટે કાયદો વધારે મજબુત બનાવવામાં આવશે. સરકાર આ વિધેયકને સંસદમાં આગામી શિયાળુ સત્રમાં રજુ કરે તેવી શકયતા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ડ્રગ કન્ટ્રોલર ડો.રાજીવ સિંહ રઘુવંશીએ દવા, ચિકિત્સા ઉપકરણ અને કોસ્મેટિક્સ અધિનિયમ 2025નો મુસદ્દો રજૂ કર્યો હતો. બેઠકમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને કેન્દ્રીય ઐષધિ માનક નિયંત્રણ સંગઠનના સિનિયર અધિકારીઓએ પ્રસ્તાવિત કાનૂનની રૂપરેખા રજૂ કરી હતી.
સીડીએસસીઓના 2023-24ના રિપોર્ટ અનુસાર, તપાસમાં લગભગ 5500 જેટલી દવાઓમાં 3.2 ટકા નમૂના સબસ્ટાન્ડર્ડ અથવા નકલી નીકળ્યાં હતા. જ્યારે છેલ્લા બે વર્ષમાં 40થી વધારે ફાર્મા સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની ઘટના પહેલા જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં પણ હલકી ગુણવત્તાવાળી સિરપથી બાળકોના મોતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ડાયથિલીન ગ્લાઈકોલ નામનુ રસાયણ મીલાવાયાનું ખૂલ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાયદો જુના અધિનિયમ 1940ની જગ્યા લેશે. અને તેને આંતરરાષ્ટ્રીય માનકો અનુસાર તૈયાર કરવામાં આવશે. તેનો હેતુ દવા નિર્માણથી લઈને બજારમાં વેચાણ સુધી દરેક સ્તર ઉપર જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાની છે.