
- સૌરાષ્ટ્રના વેપારીઓને માલ-સામાન લેવા-મુકવા અમદાવાદ ધક્કો નહિ થાય,
- કાર્ગો માટે બે દિવસમાં ભાવ નક્કી થયા બાદ સેવા શરૂ થશે,
- સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને કાર્ગો સેવાથી ફાયદો થશે
રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પરના હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે કાર્ગો સર્વિસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. હિરાસર એરપોર્ટના જુના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા-લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહિ પડે. આગામી બે દિવસમાં ભાવ નક્કી કરાયા બાદ આ સેવા શરૂ થઈ શકે છે. હાલમાં આ મામલે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. જુલાઈ, 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ હવે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રના એવીએશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે.
આ મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોના કહેવા મુજબ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સર્વિસ શરૂ થઈ જેનાથી સૌરાષ્ટ્રના 10,000 જેટલા ઉદ્યોપતિઓ-વેપારીઓને હવાઈ માર્ગે સેમ્પલ તરીકેનો માલ-સામાન મોકલવામાં સરળતા રહેશે. વેપારીઓ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફત મોકલી શકે છે. જેમાં ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ ઉપરાંત પ્લાસ્ટિક પાર્ટ જે સેમ્પલ તરીકે વેપારીઓ વિદેશમાં મોકલતા હોય છે, તેમાં પણ ફાયદો થશે. સાથે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના પાર્ટ મોકલવામાં પણ સરળતા રહેશે.
ચેમ્બર્સના સૂત્રોએ ઉમેર્યું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને આ સેવાથી ફાયદો થશે. જોકે, કાર્ગો સર્વિસનું ભાડું કેટલું રાખવામાં આવે ,છે તેના ઉપર તમામ પ્રકારની નિર્ભરતા છે. કારણ કે જો વેપારીઓને અમદાવાદથી કાર્ગો મારફત માલ-સામાન મોકલવામાં ફાયદો થતો હોય, એટલે કે ઓછા નાણાં ચૂકવવા પડતા હોય તો વેપારીઓ રાજકોટને બદલે અમદાવાદથી માલ-સામાન મોકલશે.