
- MGVCL દ્વારા 15 ટીમ બનાવીને પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરાયું,
- શહેરાના અણીયાદ, બારમોલી, કવાલી, સહિત 10થી વધુ ગામોમાં ચેકિંગ,
- વીજળી ચોરી સામે પોલીસ ફરિયાદ પણ કરાશે
ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં વીજચોરીને લીધે લાઈન લોસ ઘટતા સરકારની માલિકીની વીજ કંપની MGVCL દ્વારા વીજચોરી સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરા-1 ડિવિઝનમાં આવતા શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત 15 ટીમ બનાવીને વિસ્તારના અણીયાદ, બોડીદ્રાખુર્દ, બારમોલી, કવાલી, બાહી, દલવાડા, તાડવા, ડોકવા અને ઉંમરપુર સહિત 10થી વધુ ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન 15 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ છે.
મળતી માહિતી મુજબ, શહેરા શહેર અને તાલુકાના 10 જેટલા ગામોમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે MGVCL ની 15થી જેટલી ટીમોએ વીજચોરી સામે તપાસ કરી હતી. જેમાં 360 જેટલા વીજ કનેક્શનોમાંથી 44 વીજ કનેક્શનની ચોરી ઝડપાઈ છે. વીદ ગ્રાહકો દ્વારા 15 લાખ 38 હજારની વીજ ચોરી કરવામાં આવી છે. જોકે, હવે તંત્ર દ્વારા તમામ વીજ ચોરો સામે ફરિયાદ દાખલ કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરા વિસ્તારમાં MGVCL દ્વારા એકાએક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવશે. જેમાં અન્ય ગામડાઓમાંથી પણ આવી વીજ ચોરોની સંખ્યા વધવાની આશંકા છે.