
- ભાડાના મકાનમાં રહેતા રાજસ્થાની વ્યક્તિઓ પર કરાયો હુમલો
- પાડોશી યુવાને હુમલો કર્યાનો આરોપ
- પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં કેમિકલ એટેકની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. શહેરના ઓઢવ મહાવીર બાગ સોસાયટીની જય શક્તિ કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા પ્રરપ્રાંતિય એક યુવાન પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. આ યુવાનને બચાવવા જતાં તેના બે મિત્રો દાઝી ગયા હતા. આ બનાવમાં જે યુવાન પર કેમિકલ એટેક કરાયો હતો તેનું મોત નિપજ્યું હતુ. ઓઢવ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાધ ધરી છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં કેમિકલ એટેકનો બનાવ બન્યો હતો. જેમાં ભાડાના મકાનમાં રહેતા ત્રણ વ્યક્તિ પર એક શખ્સે જ્વલનશીલ પદાર્થ ફેંક્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીજપ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. કેમિકલ એટેકનો ભોગ બનેલા વ્યક્તિઓ રાજસ્થાનના બાડમેરના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઓઢવ મહાવીર બાગ સોસાયટીની જય શક્તિ કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા 45 વર્ષીય શ્રવંદન વાજેદાન ચરણ, તેમના ભત્રીજા શતીદાન ચરણ અને સરજીદાન ચરણ પર જીવલેણ હુમલો થયો હતો. મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી શ્રવંદન છેલ્લા એક દાયકાથી અમદાવાદમાં રહે છે અને એસી, ફ્રિજ અને વોશિંગ મશીન રિપેર ટેકનિશિયનનું કામ કરે છે. જ્યારે શ્રવંદન અને તેમના ભત્રીજા સહિત ત્રણ વ્યક્તિ રૂમમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન ચંદુ રાવલ નામનો શખ્સ આવીને તેમના પર જ્વલનશીલ પદાર્થ ફેક્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ, આ ત્રણેય માણસો દિવસભર કામ કર્યા પછી 27 ફેબ્રુઆરીની મોડી રાત્રે તેમના રૂમમાં પાછા ફર્યા હતા. 28 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે, શ્રવંદને અચાનક પીડાથી ચીસો પાડી હતી. જેના કારણે શતીદાન અને સરજીદાન જાગ્યા તો તેમને આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. આ બનાવમાં શતીદાન ગંભીર રીતે દાઝી ગયો હતો, જ્યારે સરજીદાનના પગ ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનામાં સૌથી વધુ શ્રવંદન દાઝ્યા હતા. આ મામલે બિલ્ડિંગના માલિકના પુત્ર સનીએ એમ્બ્યુલન્સ બોલાવીને શ્રવંદનને એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે શ્રવંદનની હાલ વધુ ગંભીર હોવાથી તેમને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ ખરાબ થતાં, પરિવારના સભ્યોએ તેમને જોધપુરના AIIMS હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રસ્તામાં જ બપોરે 3:30 વાગ્યે બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક તેમનું મોત નીપજ્યું હતું.
શતીદાન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમના પાડોશી ચંદુ રાવલે હુમલા કર્યો હોવાનું જણાવ્યું હતું. શતીદાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ચંદુએ જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું. હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.