
- કોર્પોરેટરોના સિક્કિમ પ્રવાસ પાછળ મ્યુનિ. 40 લાખનો ખર્ચ કરશે
- બે દિવસની તાલીમ અને 5 દિવસ સિક્કમના વિવિધ સ્થળોએ ફરશે,
- વિપક્ષએ કર્યો વિરોધ
વડોદરાઃ અમદાવાદ અને ગાંધીનગરના કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસની જેમ હવે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરો પણ તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે. શહેરના નાગરિકોના ટેક્સના નાણામાંથી કોર્પોરેટરના પ્રવાસ પાછળ 40 લાખનો ખર્ચ કરાશે. બે દિવસની તાલીમ અને પાંચ દિવસ કોર્પોરેટરો સિક્કિમના વિવિધ સ્થળોએ ફરશે, આ સ્થિતિમાં વડોદરા શહેરને શું મળશે તે મોટો સવાલ છે.
વડાદરા મ્યુનિ.કોર્પોરેશનના મહિલા કોર્પોરેટરો 2023માં સિક્કિમના પ્રવાસે ગઈ હતી તે સમયે 20 લાખનો ખર્ચ થયો હતો અને રિઝનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડી ફોર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ દ્વારા યોજાતા સેમિનારમાં ભાગ લીધો હતો. ત્યારબાદ હવે ફરીવાર વડોદરા કોર્પોરેશનના 30થી વધારે પુરુષ કોર્પોરેટરો પ્રવાસે જવાના છે. જેની પાછળ 40 લાખ જેટલો ખર્ચ કરાશે. ત્યારે આ પ્રવાસને લઈને વડોદરાના નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. મહિલા કોર્પોરેટરો તાલીમ લઈ આવ્યા પછી વડોદરા શહેરને કંઈ જ નવું આપ્યું નથી. ત્યારે હવે પુરુષ કોર્પોરેટરો આ તાલીમમાં જઈને માત્ર જલસા કરવા જતા હોય તેવું શહેરીજનો કહી રહ્યા છે.
વડોદરાની લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થા દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. સિક્કિમ બે દિવસનો સેમિનાર છે અને 7 દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ 40 લાખ રૂપિયા થશે. બે દિવસની તાલિમ બાદ પાંચ દિવસ આ કોર્પોરેટરો સિક્કિમના વિવિધ સ્થળોએ ફરવા જવાના છે. આ સ્થિતિમાં વડોદરા શહેરને શું મળશે તે મોટો સવાલ છે.
વડોદરા મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીમાં ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ત્યારે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે, અત્યાર સુધી જે કોર્પોરેટરો તાલીમ લઈને આવ્યા તેમણે વડોદરા શહેરને શું આપ્યું? વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડ વખતથી બહારના લોકો નગર વ્યવસ્થાને નિહાળવા માટે આવતા હતા. ત્યારે હવે વડોદરાના કોર્પોરેટરોએ અન્ય જગ્યાએ જવું પડે તે એક આશ્ચર્યની વાત છે. વિપક્ષ કોંગ્રેસે કોર્પોરેટરોના સિક્કિમ પ્રવાસનો વિરોધ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના અગાઉ મહિલા કોર્પોરેટરોએ સિક્કિન પ્રવાસ પાછળ 20 લાખનો ખર્ચ કર્યો હતો. તેમ છતાં શહેરને કંઈના મળ્યું. એકવાર મ્યુનિનુ ડેલીગેશન સ્વચ્છતાના અભ્યાસ માટે ઇન્દોર પણ જઈ આવ્યું છે. ફરીવાર વડોદરા કોર્પોરેશનના શાસકો ભાજપના કોર્પોરેટરોને 40 લાખનો ખર્ચ કરી તાલીમના નામે સહેલગાહે મોકલી રહ્યા છે. શું ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નાગરિકોના ટેક્સના નાણાંનો આવી રીતે દુરુપયોગ કરવો વ્યાજબી છે? તે એક મોટો સવાલ નાગરિકો પૂછી રહ્યા છે.