
- તંત્ર દ્વારા પાણી પીવડાવામાં ન આવતા તમામ છોડ મુરઝાઈ ગયા
- હાઈવેની બન્ને સાઈડના સાઈન બોર્ડ અને રેલિંગો પણ તૂટી ગઈ
- લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો
પાલનપુરઃ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તાની વિકાસના કામો કરવામાં આવે છે. પણ ત્યારબાદ તંત્ર દ્વારા યોગ્ય રખેવાળી ન રખાતા રોડ પરના સાઈન બોર્ડ, ડિવાઈડ પરના વૃક્ષો, રોડ પરની રેલીંગો તૂટી જતી હોય છે. આવી જ હાલત કરોડોના ખર્ચે બનાવેલા પાલનપુર-અંબાજી હાઈવેની છે. તંત્રની નિષ્કાળજીના કારણે હાઇવેની વચ્ચે વાવેલા છોડ પાણીના અભાવે સુકાઇ ગયા છે. હાઇવેની બંને સાઇડે સાઇન બોર્ડ તૂટી ગયા છે. પાલનપુરથી અંબાજીને સાંકળતો હાઇવે રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવાયેલા હાઈવેની દૂર્દશા થઈ રહી છે.
શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજીની કરોડોના ખર્ચે કાયા પલટ કરવામાં આવી રહી છે. વર્ષે દહાડે લાખો યાત્રિકોથી ઉભરાતા તીર્થધામમાં આવતા યાત્રિકોની સુખાકારી માટે ચાર વર્ષ અગાઉ રૂપિયા ચારસો કરોડ જેટલી માતબર રકમના ખર્ચે અંબાજી પાલનપુર માર્ગને ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો. તંત્રની નિષ્કાળજીને લીધે તેમજ હાઈવેનું કામ કરી ગયેલી એજન્સી દ્વારા સમયાંતરે યોગ્ય માવજતના અભાવે માર્ગ પર ઠેર ઠેર હોર્ડિંગો ધરાશાયી થયા છે. સંરક્ષણ માટે ઊભી કરવામાં આવેલી લોખંડની ડીવાયડર પણ તૂટેલી અવસ્થામાં જોવા મળી રહી છે. બે માર્ગની વચ્ચે પર્યાવરણનું જતન કરવા સાથે રાત્રી દરમિયાન વાહન ચાલકોની આંખો આંજી નાખતા પ્રકાશને અવરોધવા માટે વાવવામાં આવેલા લાખો છોડવાઓ ચોમાસાનું પાણી પીધા બાદ જાણે એક ટીપું પણ મળ્યું ના હોવાની ગવાહી પૂરતા હવે જાણે તમામ છોડવાઓનું બાળ મરણ થયું છે.
પાલનપુર-અંબાજી હાઈવે પર સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા હતા તે પણ તૂટી ગયા છે. હાઈવે પર વાહનચાલકોને રાતના સમયે સુચના આપતી રેડિયમ પટ્ટી પણ ગાયબ થઈ ગઈ છે, ખાસ કરીને તો ડિવાઈડર પર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ તંત્રના વાંકે રોપાઓ સુકાય ગયા છે.