છત્તીસગઢઃ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું
- આત્મસમર્પણ કરનારોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ
- છત્તીસગઢમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 650 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ
નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું હતું. તેમના પર આશરે 50 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 10 પુરુષો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. આ જૂથે સુકમા જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીના ચાર સભ્યોનો સમાવેશ થાય છે.
મીડિયા સાથે વાત કરતા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે, કુખ્યાત માઓવાદી માડવી હિડમાના મોત બાદ વધતા ભયનું આ પરિણામ છે. દરેક આત્મસમર્પણ કરનાર વ્યક્તિને 50 હજાર રૂપિયાનું તાત્કાલિક પ્રોત્સાહન આપવાની જાહેરાત કરતાં તેમણે અન્ય માઓવાદીઓને હિંસા છોડી દેવાની અપીલ કરી હતી. આ વર્ષે છત્તીસગઢમાં આત્મસમર્પણ કરનારા માઓવાદીઓની સંખ્યા 650 ને વટાવી ગઈ છે. કેન્દ્ર સરકાર માર્ચ 2026 પહેલા માઓવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.


