
છત્તીસગઢઃ હોસ્પિટલમાં HIV પીડિતાનું નામ જાહેર કરવા મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
રાયપુર : છત્તીસગઢના રાયપુર સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં એચઆઈવી પોઝિટિવ મહિલાની ઓળખ જાહેર થવાના મામલે છત્તીસગઢ હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે આ ઘટનાને “અમાનવીય અને દર્દીની ગોપનીયતા તેમજ નૈતિક અધિકારનું ગંભીર ઉલ્લંઘન” ગણાવીને દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સાથે જ પીડિતાને રૂ. 2 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં એચઆઈવી પીડિત મહિલાનું બાળક દાખલ હતું. બાળકના બેડ સામે લગાવવામાં આવેલા બોર્ડ પર સ્પષ્ટ લખાયેલું હતું કે “બાળકની માતા એચઆઈવી પોઝિટિવ છે.” આ બોર્ડને કારણે મહિલાને જાહેર રૂપે શરમ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. અદાલતે આ બાબત પર સ્વયં સુમોટો (સ્વતઃ સજાગતા) લઈ હોસ્પિટલ સંચાલનને ફટકાર લગાવી અને સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અતિરિક્ત મહાધિવક્તા યશવંત સિંહે અદાલતને જણાવ્યું કે, એચઆઈવી પીડિતોની ઓળખ જાહેર ન કરવાની બાબત માટે પહેલેથી જ સ્પષ્ટ કાનૂની નિયમો છે, અને દરેક હોસ્પિટલને તેનું પાલન કરવું ફરજિયાત છે. તેમણે કહ્યું કે આ ઘટના હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારીને કારણે બની છે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે, “આવો કૃત્ય માત્ર વ્યક્તિગત અપમાન પૂરતો નથી, પરંતુ સમાજમાં એચઆઈવી પીડિતો સામેના ભેદભાવને વધારતો પણ છે.” હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવને વ્યક્તિગત એફીડેવીટ સાથે અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે, જેથી દોષિતો સામે લેવામાં આવેલી કાર્યવાહીનું સ્પષ્ટીકરણ મળી શકે.
આ મામલે FIR નોંધાઈ ચૂકી છે, અને પોલીસે હોસ્પિટલ સંચાલન પાસેથી જવાબ માંગ્યો છે. તેમ છતાં હજી સુધી દોષિત ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ સામે કોઈ સ્પષ્ટ પગલાં લેવાયા નથી. અદાલતે આ અસંવેદનશીલ વર્તન બદલ હોસ્પિટલ સંચાલનને કડક ચેતવણી આપી છે અને જવાબદારી નક્કી કરવાની ફરજ સોંપી છે. કોર્ટના આદેશ મુજબ, પીડિત મહિલાને તાત્કાલિક રૂ. 2 લાખનું વળતર ચૂકવવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે લેવામાં આવેલી કાર્યવાહી અંગેનો વિગતવાર અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવાની ફરજ પાડવામાં આવી છે. અદાલતે અંતમાં કહ્યું કે “એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓની ઓળખ અને ગોપનીયતા જાળવવી દરેક આરોગ્ય સંસ્થાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. કોઈપણ સંજોગોમાં આવી ભૂલ માફ કરી શકાય તેવી નથી.”