1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ખારીકટ કેનાલની ફેઝ-2ની કામગીરી માટે રૂ.1003 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી
અમદાવાદમાં ખારીકટ કેનાલની ફેઝ-2ની કામગીરી માટે રૂ.1003 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી

અમદાવાદમાં ખારીકટ કેનાલની ફેઝ-2ની કામગીરી માટે રૂ.1003 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી

0
Social Share
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી
  • ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 80 ટકા કામગીરી પૂર્ણ
  • ફેઝ-1 માટે ફાળવાયેલા 1338 કરોડ રૂપિયામાંથી રૂ. 700કરોડથી વધુનો ખર્ચ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે.

આ ફેઝ-2 અંતર્ગત સ્ટ્રેચ-1માં એસ.પી. રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-2માં વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-3 અન્વયે ઘોડાસર (આવકાર હોલ)થી વટવા ગામ અને સ્ટ્રેચ-4 તથા 5માં વટવા ગામથી એસ.પી. રીંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરશે.  તદઅનુસાર, આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ, રિટેઈનિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરીગેશન સ્ટ્રક્ચર, સ્ટોર્મ વોટર એક્સટેન્શન, સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતી સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત ખારીકટ કેનાલની કુલ લંબાઈમાંથી ફેઝ-1માં સમાવિષ્ટ કામો બાદ બાકી રહેતી લંબાઇમાં એસ.પી. રીંગ રોડથી મુઠીયા ગામ થઈને નરોડા સ્મશાન ગૃહ સુધી તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઈને એસ.પી. રીંગ રોડ સુધીની હયાત ખારીકટ કેનાલ હાલ ખુલ્લામાં છે.

એટલું જ નહીં, સમયાંતરે અમદાવાદ શહેરનો વ્યાપ વધતા કેનાલની બન્ને તરફ થયેલા વિકાસને કારણે કેનાલ બેડમાં ઘન કચરાનું મિશ્રણ થતાં કેનાલનું પાણી પ્રદૂષિત થવાને લીધે જાહેર આરોગ્યને પણ હાની પહોંચવાની સમસ્યા રહે છે. આ ઉપરાંત ખારીકટ કેનાલની બન્ને તરફના ટી.પી. વિસ્તારોને કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઊભા થતાં હોય છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમસ્યાઓના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવેલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કા ફેઝ-1માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75  કિલોમીટરની લંબાઈમાં કેનાલ ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે 80 ટકા કામ પૂર્ણ થયુ છે. આ હેતુસર ફેઝ-1 માટે ફાળવવામાં આવેલા 1338 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધીમાં રૂ.700 કરોડથી વધુનો ખર્ચ થયો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે હવે, આ ખારીકટ કેનાલની ફેઝ-1 સિવાયની બાકી રહેતી લંબાઇમાં ફેઝ-2 અંતર્ગત વિવિધ પાંચ સ્ટ્રેચમાં હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરીને મંજૂરી આપી છે. આ હેતુસર ફેઝ-2 અંતર્ગતના કામોની સંપૂર્ણ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code