1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકોના પ્રશ્નોના ઝડપી અને પ્રામાણિક નિવારણ માટે કલેકટરોને મુખ્યમંત્રીએ કરી તાકીદ
લોકોના પ્રશ્નોના ઝડપી અને પ્રામાણિક નિવારણ માટે કલેકટરોને મુખ્યમંત્રીએ કરી તાકીદ

લોકોના પ્રશ્નોના ઝડપી અને પ્રામાણિક નિવારણ માટે કલેકટરોને મુખ્યમંત્રીએ કરી તાકીદ

0
Social Share

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી.

ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોને કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરોને જણાવ્યું કે, તેમણે જિલ્લાના વડા તરીકેનું જે દાયિત્વ મળ્યું છે તેને નાનામાં નાના માનવીની સમસ્યાના નિરાકરણની જવાબદારી નિભાવીને વહન કરવાની મોટી તક છે. મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, રાજ્યમાં જે સંગીન નાણાંકીય વ્યવસ્થાપન છે તેના કારણે હવે વિકાસ કામોમાં નાણાંની કોઈ તંગી નથી પડતી આ સંજોગોમાં જિલ્લામાં વિવિધ યોજનાઓના ચાલતા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કરીને કલેક્ટરો યોગ્ય નિગરાની રાખે.

ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરોને ટીમવર્કથી અને એકબીજા સાથે ચર્ચા કરીને સાથે મળીને કામ કરવાનું આહવાન કરતા કહ્યું કે, પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થાય અને લોકોને પોતાના કામોમાં સરળતા રહે તે માટે જિલ્લા કલેક્ટરો જવાબદારી પૂર્વક કાર્યરત રહે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર તમારી સાથે છે અને સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ કોઈને તકલીફ ઉભી ન કરે તે માટેની સુઝ બૂઝથી કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સારા અને નેક કામો માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કલેકટરોએ કરવાનું છે.

આ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ  એમ. કે. દાસ, વરિષ્ઠ સચિવો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે તથા જિલ્લા કલેકટરો અને મહેસુલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code