
ગાંધીનગરઃ બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાશે તથા વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે 7.45 કલાક થી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેક આઉટ કરાશે. આ મોકડ્રિલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વાવ સુઈગામના તમામ ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટ લાઈટ, હોર્ડીગ અને દુકાનો તથા પોતાના ઘરમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે.
પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શિલ્ડ” સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજનાર છે. જિલ્લામાં BPCL ટર્મિનલ, સિધ્ધપુર, IOCL ટર્મિનલ, સિધ્ધપુર, GIDC સિધ્ધપુર, સિધ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL પંપીંગ સ્ટેશન, સાંતલપુર અને બોર્ડર પરના આઠ ગામો એમ કુલ 18 લોકેશન પર સાંજે પાંચ વાગે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાશે. રાતના 8 થી 8.30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે.
ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા પાઠવાયેલી સત્તાવાર યાદી અનુસાર ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે સાંજે 5.30 કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ સમગ્ર શહેરને લાગુ પડશે નહીં તેવું પણ જણાવાયું છે. રાત્રે આઠથી સાડા આઠ બ્લેકઆઉટ, પણ આખા શહેરમાં નહીં, માત્ર સ્મૃતિવન આસપાસ જ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વીરમગામમાં પોલીસ લાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બંને સ્થળે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરાશે. ત્યાર બાદ આ બંને સ્થળે રાત્રે 7:45 વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવશે.
જ્યારે રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં સૌપ્રથમ 6.45 વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે અને બાદમાં રાત્રે 8 થી 8.15 વાગ્યા દરમિયાન માધાપર અને તેની આસપાસના વિસ્તારમાં ડ્રોન હૂમલાની મોકડ્રિલ અને બ્લેક આઉટ યોજાશે. રાજ્ય સરકારના આદેશ અનુસાર માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સાયરન વગાડવામાં આવશે. જે દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં રહેતા નાગરિકોએ ટોટલ બ્લેકઆઉટનું પાલન કરવાનું રહેશે.
વડોદરામાં મોકડ્રિલના મુખ્ય સ્થળ પાદરા તાલુકાનું નગર પાદરા (શહેરી વિસ્તાર) છે, જ્યાં મોકડ્રિલ સાંજે 4:45 થી 9:30 સુધી યોજાશે. બીજી કરજણ તાલુકાના ગામડાં વિસ્તારના આઇનોક્સ એર કંપની નજીક આવેલા જૂની જીથરડી ગામ ખાતે આયોજન કરાયું છે. ત્રીજી મોકડ્રિલ ઇએમઇ સ્કૂલ કંપાઉન્ડ (વડોદરા શહેર) ખાતે મોડી સાંજ સુધી મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે.
મોકડ્રિલ એ એક પ્રકારની “પ્રેક્ટિસ” છે જેમાં આપણે જોઈએ છીએ કે, જો કોઈ કટોકટી (જેમ કે એર સ્ટ્રાઈક અથવા બોમ્બ હુમલો) હોય તો સામાન્ય લોકો અને વહીવટી તંત્ર કેટલી ઝડપથી અને કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે.
બ્લેકઆઉટ એક્સરસાઈઝનો અર્થ એ છે કે, નિર્ધારિત સમય માટે આખા વિસ્તારની લાઇટ્સ બંધ કરવી. તેનો હેતુ એ બતાવવાનો છે કે, જો દુશ્મન દેશ હુમલો કરે તો અંધારામાં આ વિસ્તારને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? આનાથી દુશ્મનને લક્ષ્ય સાધવામાં મુશ્કેલી પડે છે.