
- સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું રાજ્યવ્યાપી મહાઅભિયાન,
- મહાભિયાનમાં 50.000 કિલોગ્રામ કચરો એકત્રિત કરાયો
- સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો પણ જોડાયા
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સહયોગથી રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ તા. 1 મે – ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સહકાર ક્ષેત્રે એકતાના સંદેશ સાથે નાગરીકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાની ભાવના ઉત્પન્ન કરવા માટે રાજ્યના ૨૫ર તાલુકા અને 13000 ગામડામાં આવેલા 25000 ધાર્મિક સ્થળોએ ‘સ્વચ્છતા મે સહકાર’ના સિદ્ધાંતને ઉજાગર કરતી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સ્વચ્છતા મે સહકાર” અભિયાન હેઠળ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ સહિતના પવિત્ર સ્થળોનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય અને શહેરી સહકારી સંસ્થાઓના સભ્યો, યુવાનો અને મહિલાઓએ આ અભિયાનમાં સક્રિય ભાગ લઈ સામુહિક સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા મહત્વનો ભાગ ભજવ્યો હતો.
‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં સ્થિત વરદાયિની માતાના મંદિર ખાતે આયોજિત સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન નાગરીકોને સહકારીતા ક્ષેત્ર અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મહાભિયાનમાં તમામ જિલ્લા રજીસ્ટ્રારો, સહકારી સંસ્થાઓ, જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સહકારી આગેવાનો, હિતધારકો તેમજ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટીંગ ફેડરેશન -અમૂલ, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, દુધ સંઘો, દૂધ મંડળીઓ અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના સભ્યો તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકગણ, આચાર્યો, સ્થાનિક સ્વરાજની સંસ્થાના સરપંચશ્રીઓ-ઉપસરપંચો તથા અન્ય સભ્યો સહીત 1.50 લાખથી વધુ ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો સફળતાપુર્વક આયોજન કરવા 15 હજાર જેટલી સહકારી સંસ્થાઓ આગળ આવી મહત્વની ભુમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં ટ્રેક્ટર, પાવડી, સાવરણો, ડોલ, કચરા પેટી, સુપડા સહિતના પાંચ લાખ જેટલા સંસાધનોના ઉપયોગ થકી 50.000 કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.