- સરદા પટેલની જન્મજ્યંતિની ઊજવણીને લઈ યુનિટી માર્ચનું આયોજન કરાયુ,
- આંબલી ગામના ખોડીયાર માતાના મંદિરથી પદયાત્રાનો પ્રારંભ કરાયો,
- પદયાત્રાને લીધે ઓફિસ અવર્સમાં બોપલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકજામ સર્જાયો
અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઊજવણીને લઈને શહેરમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. ગઈકાલે એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન કરાયુ હતુ. અને આજે સોમવારે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આંબલી ગામ ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરીને પદયાત્રામાં જોડાયા હતાં.
શહેરના ઘાટલોડીયા વિધાનસભામાં આવતા બોપલ ઓવર બ્રિજ પાસેના આંબલી ગામ નજીક ખોડીયાર માતાના મંદિરથી આ યુનિટી માર્ગ પદયાત્રાનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભારંભ કરાવ્યો હતો. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરી પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.
આજે યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના નેતાઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા 800 મીટર ચાલી પદયાત્રામાંથી રવાના થયા છે.મુખ્યમંત્રી પદયાત્રામાંથી રવાના થતા પ્રદેશ અને શહેર ભાજપના હોદ્દેદારો અધવચ્ચેથી જ પદયાત્રામાંથી રવાના થયા હતા પદયાત્રાને કારણે બોપલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકજામ સર્જાયો હતો, ઓફિસ અવર્સમાં ટ્રાફિક જામ થયો હોવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને ઓફિસ જવામાં મોડું થયુ હતું. બોપલથી એસજી હાઇવે તરફ જવા માટે 100 મીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. વૈષ્ણોદેવી સરદાર પટેલ રીંગરોડથી બોપલ જવા માટે આવનારા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ગાડી પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી. પોલીસ કર્મચારીને જાણ કરવા છતાં પણ ટ્રાફિક ખોલવામાં આવ્યો નહતો.


