HomeગુજરાતીગુજરાતCMનો US પ્રવાસઃ સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને ડીપ-ટેકના મૂડીરોકાણ માટે વધુ...

CMનો US પ્રવાસઃ સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને ડીપ-ટેકના મૂડીરોકાણ માટે વધુ ફોકસ

અમદાવાદ, 21 ઓગસ્ટ, 2026 : CM’s US Visit: Focus on Investments in Semiconductors, AI, and Data Centers ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું હતું.  અને વર્લ્ડ બેંક સમક્ષ ગિફ્ટ સિટીની વિકાસગાથાની વિગતો આપી હતી. આ ઉપરાંત વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ જગતના લીડર્સ, ઉભરતી ટેક્નોલોજીના પાયોનિયર્સ અને ભારતીય ડાયસ્પૉરા સાથે સંવાદ દ્વારા સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને ડીપ-ટેકના મૂડીરોકાણ માટે વધુ ફોકસ આપવામાં આવી રહ્યું છે.

 મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર AIને અપનાવવા સજ્જ છે અને વહીવટ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેનો ઝડપી અમલ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

વર્લ્ડ બેંકની બેઠકમાં AIના વિકાસલક્ષી ઉપયોગ અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. આ સંદર્ભમાં  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, AI માત્ર ટેકનોલોજી નહીં, વિકાસને નવી ગતિ આપવાનું સાધન છે. ભારત જેવા દેશો માટે AIમાં વિકાસની ગતિને નવી ઊંચાઈએ લઈ જવાની વિશાળ સંભાવના છે. ખાસ કરીને પ્રેડિક્ટિવ AI સહિતની ટેકનોલોજીનો ઉપયોગ વિકાસલક્ષી પરિણામો સુધારવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.

ગુજરાત આ સંભાવનાને વાસ્તવિક પરિણામોમાં પરિવર્તિત કરવા માટે AIને માત્ર IT ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રાખતા સરકારી વહીવટથી લઈને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનસેવા સુધી તેનો વ્યાપ વધારવા માટે આગળ વધી રહ્યું છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે નાણાકીય શિસ્તને વિકાસ સાથે સાંકળીને આગળ વધવાની પરંપરા ઊભી કરી છે. નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યોને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્સિંગમાં વિશેષ લાભ આપવા અંગે વર્લ્ડ બેંક વિચાર કરી શકે, તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંક સાથે યોજાયેલી આ બેઠકમાં ગિફ્ટ સિટી મારફતે વૈશ્વિક મૂડીને ભારતમાં લાવવા માટેની ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી હોવાની જાણકારી આપી હતી.

આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ માટે ગુજરાતે ગ્લૉબલ આઉટરીચને વેગ આપ્યો છે. VGGS 2027 પૂર્વે ગુજરાતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે હાઇ-લેવલ ડેલિગેશન વોશિંગ્ટન ડી.સી., ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈ રહ્યું છે, જ્યાં વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ જગતના લીડર્સ, ઉભરતી ટેક્નોલોજીના પાયોનિયર્સ અને વાઇબ્રન્ટ ભારતીય ડાયસ્પૉરા સાથે સંવાદ દ્વારા ગુજરાતની વિકાસગાથાને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular