ગાંધીનગર, 21 ઓગસ્ટ, 2026 : Antibiotics should not be taken for a common fever પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત “CIDSCON-૨૦૨૬ : ૧૬મી એન્યુઅલ કોન્ફરન્સ ઓન ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસીઝીસ સોસાયટી કોન્ફરન્સ”ના પૂર્વાર્ધરૂપે આજે પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટરો અને યુવા તબીબો માટે વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ્સમાં ચેપી રોગોના સચોટ નિદાન, સારવારની આધુનિક પદ્ધતિઓ અને એન્ટીબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે યુવા તબીબોને અનુભવી અને પ્રતિષ્ઠિત વિષય-નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.
CIDSCONના કો-ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તથા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ-કલોલના પ્રોફેસર અને વિભાગીય વડા ડૉ. હર્ષ તોષનીવાલે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે, કારણ કે તે તાવ અને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન પર કેન્દ્રિત છે. વર્કશોપ્સના માધ્યમથી યુવા ડોકટરોને એન્ટીબાયોટિક દવાઓના બિનજરૂરી ઉપયોગને અટકાવવા, તેના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા યોગ્ય નિદાનને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વાયરલ ફીવર અથવા સીઝનલ ફીવર જેવા કિસ્સાઓમાં એન્ટીબાયોટિક્સ આપવાનું ટાળવું જોઈએ, જેથી ભવિષ્યની પેઢી માટે આ દવાઓની અસરકારકતા જાળવી શકાય. તબીબોએ દર્દીની સંપૂર્ણ હિસ્ટ્રી લેવી, શારીરિક તપાસ કરવી અને લેબોરેટરી રિપોર્ટ્સનો યોગ્ય ઉપયોગ કરીને સચોટ નિદાન કરવું જોઈએ.
વર્કશોપમાં યુવા ડોકટરોને માર્ગદર્શન પૂરું પાડવા ફેકલ્ટી તરીકે નિષ્ણાત ડૉ. એમ. આર. શિવપ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. માઇકોલોજીના ક્ષેત્રમાં કાર્યરત ડૉ. એમ. આર. શિવપ્રકાશે દેશમાં ઝડપથી વધી રહેલા ફંગલ ઇન્ફેક્શન અને એન્ટીફંગલ દવાઓ સામે વધી રહેલા રેઝિસ્ટન્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, એન્ટીબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ વિશે લોકો માહિતગાર છે, પરંતુ ફંગલ ઇન્ફેક્શન અને તેની સારવારની આંટીઘૂંટીઓ સમજવી અત્યંત જરૂરી છે.
તેમણે દાદર (ડર્માટોફાઇટોસિસ/રિંગવર્મ)નું ઉદાહરણ આપતા જણાવ્યું કે, એક દાયકા પહેલાં આ ઇન્ફેક્શન સામાન્ય મલમથી મટી જતું હતું, પરંતુ હવે તે અત્યંત જીદ્દી બની ગયું છે અને લાંબી સારવાર બાદ પણ દર્દીના આખા શરીરમાં તેમજ માથાના ભાગ સુધી ફેલાઈ જાય છે. હવે તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને મનુષ્યોથી મનુષ્યોમાં ખરજવાની જેમ ઝડપથી ફેલાય છે. આ ઇન્ફેક્શન હવે માત્ર ગ્રામીણ કે ગરીબ વર્ગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ શહેરોમાં અને ઉચ્ચ સ્વચ્છતા ધરાવતા લોકોમાં પણ જોવા મળે છે.


