
- કાલે મંગળવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે
- બેઋતુને કારણે શરદી ઉઘરસ અને વાયરલના કેસમાં વધારો
- કચ્છમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું
ગાંધીનગરઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ ફરીવાર વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. હાલ એવી સ્થિતિ છે કે, બપોરના ટાણે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે બપોરે પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. જ્યારે રાત્રે ગરમ વસ્ત્રો પહેરવા પડે એવી ઠંડીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં બે ઋતુને કારણે શરદી, ઊધરસ અને વાયરલ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ, ઉત્તર ગુજરાતમાં આજે 27 જાન્યુઆરી સુધી ઠંડી યથાવત રહેશે. કાલે તા. 28 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પરિવર્તન આવી શકે છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની શક્યતા છે. પંચમહાલમાં વરસાદી છાંટા પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે તા. 19 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં આકરી ગરમી લોકો અનુભવશે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે ચોખ્ખું આકાશ જોવા મળ્યું છે અને ઉત્તરપૂર્વ દિશામાંથી 2 માઇલ પ્રતિ કલાકની ઝડપે હળવો પવન ફૂંકાયો હતો. આ બેવડી ઋતુના માહોલમાં લોકોને સવાર-સાંજ ગરમ વસ્ત્રો પહેરવાની અને બપોરે હળવા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં શિયાળાની ઋતુ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી હોય એવું લાગી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે, જે ગઈકાલની સરખામણીમાં બે ડિગ્રી ઓછું છે. જિલ્લા મથક ભુજમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ રાત્રિએ લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સુધી પહોંચતા લોકોને બપોરના સમયે થોડી રાહત મળી રહી છે. આ તાપમાન વધઘટના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, જેના કારણે તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.