 
                                    ભિંડ: મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં મંગળવારે એક ટ્રક અને વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. ભિંડ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) અસિત યાદવે જણાવ્યું હતું કે આ ઘટના જવાહરપુરા ગામ નજીક સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નપ્રસંગમાંથી હાજરી આપીને કેટલાક લોકો વાનમાં ઘર તરફ થઈ રહ્યાં હતા. દરમિયાન માર્ગમાં ટ્રકે વાનને એટફેટે લેતા હતા. અકસ્મતને પગલે વાનમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના બાદમાં મોત થયા હતા.
ભિંડ જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે. મોટરસાઇકલ સાથે અથડાતા બચવાનો પ્રયાસ કરતી વખતે ટ્રક વાન સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું કે ઘાયલોમાંથી 12 લોકોને સારવાર માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની ભિંડ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ રસ્તો રોકી દીધો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઉશ્કેરાયેલા ગ્રામજનોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

