- ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદી સામે કોંગ્રેસ આંદોલન કરશે,
- નાગરિકો 99090 89365 પર મિસ્ડ કોલ કરી શકશે,
- એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી બાઈક રેલી યોજાઈ
અમદાવાદઃ ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિતના યુવા સાથીઓ – આગેવાનો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વ્યાપક દુષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર સામાજિક સમસ્યા સામે લડવા માટે એક વ્યાપક ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે ‘જનઆક્રોશ યાત્રા’ના તારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતની યુવા પેઢી અને પરિવારો નશાની બદીથી પીડાઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ ડબલ એન્જિનની સરકારમાં રાજ્યના તમામ વર્ગના લોકો ત્રસ્ત છે. અમારી જનઆક્રોશ યાત્રા દરમિયાન ગામે-ગામથી એક જ આક્રોશ સાંભળવા મળ્યો કે ગુજરાતમાં પીવાનું પાણી ભલે ન મળે, પણ દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. આ દારૂની રેલમછેલ પાછળનું એકમાત્ર કારણ પોલીસ, પ્રશાસન અને ગાંધીનગરમાં બેઠેલી સરકારની અકર્મણ્યતા છે. આ ભ્રષ્ટ તંત્રને નિયમિત હપ્તા મળતા હોવાથી બુટલેગરો બેફામ બન્યા છે.”છેલ્લા દસ વર્ષમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ અને રીટેલિંગ હબ બની ગયું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ આ ગુજરાતની અસ્મિતા માટેની લડાઈ છે. અમે ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરી રહ્યા છીએ. હું તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને ગુજરાતના ભવિષ્ય માટે આ લડતમાં જોડાવા લોકોને આહ્વાન કરું છું.”
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ જણાવ્યું, “ભૂતકાળમાં પંજાબમાં ડ્રગ્સની બદી સામે કોંગ્રેસ સરકારે કડક પગલાં લીધા હતા. તો શા માટે ગુજરાતમાં ‘ઉડતા ગુજરાત’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે? સરકાર માત્ર નાના ડ્રગ્સ પેડલરોને પકડીને સંતોષ માને છે, પણ મોટા માફિયાઓ સુધી સરકારનો હાથ કેમ નથી પહોંચતા? ડ્રગ્સ માફિયાઓનું સૌથી મોટું માર્કેટ કોલેજ કેમ્પસ છે. અમે આગામી દિવસોમાં એનએસયુઆઇના માધ્યમથી 1000 થી વધુ કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને નશો ન કરવાની શપથ લેવડાવશું અને ‘ડ્રગ્સ ફ્રી કેમ્પસ’નું અભિયાન ચલાવશું.”
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર સામે આક્રમક સવાલો કર્યા હતા. 72.000 ” કરોડના ડ્રગ્સના મુદ્દે સરકાર સાચો આંકડો રજૂ કરવા માટે વ્હાઇટ પેપર ક્યારે રજૂ કરશે? પાકિસ્તાનથી ડ્રગ્સ આવતું હોય તો સરકાર સીસફાયર કરતી વખતે ડ્રગ્સ ન લાવવાની શરત કેમ નથી મૂકતી? આ મુહિમમાં લોકોનો સાથ-સહકાર અનિવાર્ય છે.”
કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને નશા મુક્ત કરવા માટે આ અભિયાનમાં જોડાવા માટે જનતાને વિનંતી કરી છે અને જનતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર – ૯૯૦૯૦ ૮૯૩૬૫ નંબર જાહેર કરાયો છે.


