- કોંગ્રેસ અને એનઓસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત,
- વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનારી શાળાઓ સામે પગલાં ભરવાની માગ કરી,
- ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે
ભાવનગરઃ દિવાળીના વેકેશનમાં પણ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓએ શિક્ષણ કાર્ય ચાલુ રાખતા કોંગ્રેસ અને એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કરીને ખાનગી શાળાઓ સામે પગલાં લેવાની માગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળાઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતાઓએ કહ્યું હતું કે, ભાવનગર શહેરની પ્રાઇવેટ સ્કૂલો જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય અને સરકારના નિયમોને નેવે મૂકી અને સરકારને પણ ચેલેન્જ કરાતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવાદેવા નહીં, કોઈ નિયમ અમને લાગુ નથી પડતા. વિદ્યાર્થીઓને પરાણે ભણવા વેકેશનમાં બોલાવાતા હોય તો આ સરકારની પ્રાઇવેટ શાળાઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, દિવાળીના વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખતી ખાનગી શાળાઓની માન્યતા પણ રદ થવી જોઈએ. જો ખાનગી શાળાઓ સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો આગામી દિવસોમાં ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી સરકારની રહેશે.


