1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કપાસનું 23.71 લાખ હેકટરમાં વાવેતર, પ્રતિ હેકટર ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને
ગુજરાતમાં કપાસનું 23.71 લાખ હેકટરમાં વાવેતર, પ્રતિ હેકટર ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને

ગુજરાતમાં કપાસનું 23.71 લાખ હેકટરમાં વાવેતર, પ્રતિ હેકટર ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને

0
Social Share
  • 7મી ઓકટોબર – વિશ્વ કપાસ દિવસ, ગુજરાતમાં 71 લાખ ગાંસડી કપાસનુ ઉત્પાદન,
  • છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું,
  • ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ,

ગાંધીનગરઃ મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે  7 ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.

ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ 1960માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર 139 કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે 512 કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે, જે દેશની સરેરાશ કપાસ ઉત્પાદકતા કરતા પણ વધુ છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને કપાસ દ્વારા અબજો રૂપિયાની આવક થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.

કૃષિ મંત્રી  રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.

વર્ષ 1971માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-4 નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ 2020-21માં ભારતે રેકોર્ડ બ્રેક રૂ. 17.914  કરોડની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી  પટેલે જણાવ્યું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ 2001-02  સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે 17.49  લાખ હેક્ટર હતો, તે વર્ષ 2024-25  સુધીમાં વધીને 23.71 લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ 17 લાખ ગાંસડીથી વધીને વર્ષ 2024-25માં 71 લાખ ગાંસડી અને ઉત્પાદકતા 165 કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ 2024-25  સુધીમાં 512 કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.

ગુજરાત આજે કપાસના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમે છે. ચાલુ વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ 21.39  લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે પણ કુલ 73 લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. આજે દેશના કુલ કપાસ વાવેતરમાં 20 ટકા અને કુલ કપાસ ઉત્પાદનમાં આશરે 25 ટકાનો ફાળો ગુજરાતનો છે. રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ રહેશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code