જામનગર, 6 ફેબ્રુઆરી 2026: શહેર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં હાલ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જુદી-જુદી 3 સભ્યોની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. પક્ષીઓની ગણતરી માટે એક વન વિભાગના કર્મચારી, 1 વાઈલ્ડ ફોટોગ્રાફર, અને 1 પક્ષીવિદ સહિતના ત્રણ સભ્યોની ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે. ખીજડીયા પક્ષી અભ્યારણ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પાર્ટ-1 અને પાર્ટ-2 બંનેમાં એકીસાથે પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે.
ખીજડિયા અભ્યારણ્ય પક્ષી ગણતરીની કામગીરીને લીધે તા.6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ માટે બંધ રખાયું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત 12 કી. મી. જેટલું અને જામનગર-રાજકોટ હાઈવેથી 3 કિ.મી. દૂર આવેલું છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન પાકિસ્તાન સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.
આ પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળતાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા ભેટ ક્રિસ્ટેડ, કિપ કોમન પીચાઇ, વાઈટ આઈવીસ, ડાઈમેશન પેલિકન પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઈકો-સિસ્ટમ તેમજ દુર્લભપક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળે છે.


