1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટડીના આદરિયાણા ગામે ગોવાળો દ્વારા ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ
પાટડીના આદરિયાણા ગામે ગોવાળો દ્વારા ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

પાટડીના આદરિયાણા ગામે ગોવાળો દ્વારા ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

0
Social Share
  • માલધારી સમાજ દ્વારા 150 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત,
  • ગોવાળોએ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવી,
  • માલધારી સમાજની મહિલાઓએ દોડતી ગાયોના પગના નિશાનની રજને માથે ચઢાવીને ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામે માલધારી સમાજ દ્વારા ગાયો દોડાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગોવાળોએ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ-પાછળ દોડ લગાવી હતી. હરીફાઈમાં પ્રથમ આવનારા ગાયના ગોવાળને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા.

સુરેન્દ્રનગરના રણકાંઠા વિસ્તારના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા જેવા ગામોમાં નૂતન વર્ષની વહેલી સવારે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી આ અનોખી પ્રથા અંતર્ગત ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઈ યોજાય છે. આ પરંપરામાં, બેસતા વર્ષે 300થી વધુ ગાયોના શિંગડામાં ઘી લગાડીને તેમને પરંપરાગત રીતે શણગારવામાં આવે છે. ગોવાળોનો સમૂહ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. હરીફાઈમાં પ્રથમ આવનાર ગાયના ગોવાળને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવે છે. આ દોડ સ્પર્ધા બાદ, માલધારી સમાજની મહિલાઓ દોડતી ગાયોના પગના નિશાનની રજને માથે ચઢાવીને ધન્યતા અનુભવે છે. આ પ્રથા ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન પરંપરાઓ આજે પણ જીવંત હોવાનું દર્શાવે છે. ગામના લોકો વહેલી સવારે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે, જેને ‘રામ રામ કર્યા’ કહેવાય છે.આ પરંપરા રાજા-રજવાડાના સમયથી દિવાળી પછીના નવા વર્ષની વહેલી સવારે યોજાય છે.

જિલ્લાના પાટડી, આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા જેવા રણકાંઠાના ગામોમાં આ પ્રથા ખાસ જોવા મળે છે, જેમાં પાટડી અને ધામા ગામની પ્રથા સૌથી જૂની મનાય છે.આદરીયાણા ગામના જેસંગભાઈ રબારી, નરેશભાઈ ગોવાભાઈ રબારી, જામાભાઈ માધાભાઈ રબારી, કથાકાર રાજુભાઈ પંડ્યા, ભલાભાઈ રથવી, તેમજ વડગામના ખેંગારભાઈ ડોડીયા, જેસીંગભાઈ ચાવડા અને પ્રકાશભાઈ ડોડીયા જેવા આગેવાનોએ આ પરંપરા પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, સવારે 10 વાગ્યે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઈ નવા વર્ષના ખેતીના લેખા-જોખા અને ગ્રામ વિકાસ અંગે ચર્ચા કરે છે. જેને ગામેરુ કહેવામાં આવે છે. જેને આજકાલ ડાયરો પણ કહેવામાં આવે છે. અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે. ત્યાર બાદ ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરામાથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે.

આદરિયાણા ગામના વડીલોના કહેવા મુજબ એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા હતા.જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો અને મળવાનો સિલસિલો શરુ થાય છે, જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.

આદરીયાણા ગામના ભાગોળે ગોવાળ સાથે અનોખી ગાય દોડ સ્પર્ધા યોજાયા બાદ મંદિરમાં આરતી કરીનેં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માલધારી સમાજ એકબીજાને રામરામ કરી આખા વર્ષનાં લેખાજોખાનો હિસાબ કરી સમાજમાં વ્યસનની બદી દૂર થાય અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code