- પોપડા પડતા કેટલીક કચેરીઓ અન્ય સ્થળે ખસેડાઈ,
- જિલ્લા પંચાયતનું 45 વર્ષ જુનુ મકાન જર્જરિત બન્યુ,
- જિલ્લા પંચાયત માટે રૂપિયા 63 કરોડના ખર્ચે નવુ મકાન બનાવાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતના બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે છત અને દીવાલોમાંથી પોપડા પડતા કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો હતો. અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ત્રીજા અને ચોથા માળ પર આવેલી તમામ કચેરીઓને અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડિંગ 45 વર્ષ જુનુ છે. અને બિલ્ડિંગનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં છે. દરમિયાન બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે પોપડા પડતા તાત્કાલિત કર્મચારીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય કચેરીઓને પણ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. મકાનની જર્જરિત હાલત જોતા, તૂટી પડે તેવા પોપડા દૂર કરવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ બેરીકેડિંગ તથા અન્ય સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયત માટે નવું મકાન બનાવવા માટે અંદાજે 63 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ નવા મકાન માટે તાંત્રિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતનું મકાન આશરે 45 વર્ષ જૂનું છે. જેના કારણે અવારનવાર પોપડા પડવાની ઘટનાઓ બને છે. જેથી સલામતીના ભાગરૂપે તૂટી પડે તેવા પોપડા વગેરે પાડી, જરૂરિયાત મુજબ બેરીકેડિંગ તથા સેફ્ટી મેજર કરેલ છે. હાલમાં મકાનના ત્રીજો અને ચોથો માળ ખાલી કરી સ્ટાફને અન્ય જગ્યાએ શિફ્ટ કરાયો છે. અન્ય કચેરીઓ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. નવા મકાન બનાવવા માટે અંદાજે 63 કરોડ જેવો ખર્ચ થશે, જેની તાંત્રિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


