
ગોધરા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાજ્ય પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદઃ રાજ્ય પોલીસવડાની અધ્યક્ષતામાં ગોધરા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તમામ રેન્જ આઈ. જી અને તમામ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય પોલીસવડાએ 100 કલાકમાં અસામાજિક તત્વો સામે આપેલા એક્શન પ્લાનને 100 કલાક પૂર્ણ થતા, ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો -વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્ચવની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોન્ફરન્સની શરૂઆત પહેલા રાજય પોલીસ વડા વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
દરમિયાન અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. 100 કલાક પૂરા થતા જ ‘ગેંગ્સ ઓફ ગુજરાત’ની યાદી સામે આવી ચૂકી છે. ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં અમદાવાદમાં બુટલેગરો અને આસામાજિક પ્રવૃતી સાથે સંકળાયેલા તત્વોના ગેરકાયદે મકાનો તોડવાનો પ્રાંરભ કરાતા માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ મ્યનિ.કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લઈને સરખેજ વિસ્તારમાં બુટલેગરોના 5 મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનાં ગેરકાયદે 4 મકાન, 1 દુકાન તોડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરદારનગરમાં બુટલેગરનું તથા દરિયાપુરમાં જીમખાના કલબના ત્રીજા માળનો શેડ તોડી પાડવામાં આવ્યો હતો.