અમદાવાદ, 19 માર્ચ 2026: Rain with thunderstorm in some areas રાજ્યના હવામાન વિભાગે માવઠુ અને વાવાઝોડાની આગાહી કર્યા બાદ ગત મધરાતથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, હિંમતનગર, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.
અમદાવાદમાં આજે વહેલી સવારે આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે ધૂળિયો વાતાવરણ થઈ ગયું હતું અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ પણ તૂટી પડી છે. ભારે પવન ફૂંકાતા શહેરના ઉજાલા અને વણઝર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી. તેમજ ચાર જગ્યાએ ઝાડ પડ્યા હોવાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. કોતરપુર વિસ્તારમાં વોટર વર્ક નજીક, મેમનગર મેટ્રો સ્ટેશન પાસે, સરસપુર રાયપુર મીલમાં અને જમાલપુર રોટી બજાર પાસે એમ ચાર જગ્યાએ ઝાડ પડતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ઝાડ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો વિસનગરમાં અનેક દુકાનોના શેડ ધરાશાયી થયા હતા અને હોડિંગ પણ ઉડ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ અને ઓગડ સહિતના પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે તમાકુના પાકને નુકસાન થયું છે.
હવામાન વિભાગના દ્વારા તા. 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 19 માર્ચ રોજ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


