ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2026 : Curtain raiser event of Vibrant Gujarat Global Summit 2027 to be held in New Delhi ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકા અને કેનેડાની ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળની સફળ મુલાકાત પૂર્ણ થયા બાદ, ગુજરાત સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 માટેનો કર્ટન રેઝર કાર્યક્રમ 31 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજવામાં આવશે. આ કર્ટન રેઝર કાર્યક્રમ આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મંચ તૈયાર કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ સાથેના સંવાદ સત્રને સંબોધન કરશે. જ્યારે સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ મિશનના વડાઓ તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંવાદ સત્રમાં પણ તેઓ સંબોધન કરશે.
ભારત મંડપમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ અગ્રણી કંપનીઓના ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. આ કંપનીઓમાં ટીપીઆરઈએલ, જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયા, શ્નાઈડર ઈલેક્ટ્રિક ઈન્ડિયા, ડીસીએમ શ્રીરામ લિમિટેડ, સિઓલ સેમિકન્ડક્ટર્સ, શ્રી સિમેન્ટ લિમિટેડ, પૂર્વાહ ગ્રીન પાવર, એલજી એનર્જી સોલ્યુશન્સ, જેબીએમ ગ્રુપ, દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન, મેક્સ હેલ્થકેર, ઉનો મિન્ડા એન્ડ એસીએમએ, એસીએમઈ સોલાર, શ્વીહાગ એજી, એરટ્રંક, એચઆઈએફ ગ્લોબલ, જીએચસીએલ, એસબર બેન્ક, પીબી ફિનટેક લિમિટેડ (પોલિસીબાઝાર અને પૈસાબાઝારની પેરેન્ટ કંપની) અને મેનકાઇન્ડ ફાર્માનો સમાવેશ થાય છે.
આ વન-ટુ-વન બેઠકો દરમિયાન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને ફાર્મા, રેલવે, AI અને ડેટા સેન્ટર્સ, IT, કેમિકલ્સ તેમજ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્શ્યોરન્સ (BFSI) જેવા મુખ્ય ક્ષેત્રો અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકોમાં રોકાણની તકો, વિસ્તરણની યોજનાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવશે. આની સાથે સાથે ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, સુદૃઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને ટકાઉ તથા ટેક્નોલોજી આધારિત વિકાસના આગામી તબક્કા પર વિશેષ સંવાદ કરવામાં આવશે. આ અંગે ગુજરાતની સજ્જતાને પણ ઉદ્યોગજગત સમક્ષ વિશેષ રીતે ઉજાગર કરવામાં આવશે.


