
- અઠવાડિયામાં બીજીવાર સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ
- ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હાઈવે પર ઝીરો વિઝિબિલિટી
- શિનોર સહિત વિસ્તારમાં માવઠુ પડે એવો માહોલ સર્જાયો
વડોદરાઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો કેટલાક વિસ્તારમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આજે વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ હતું. તેના લીધે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ડભોઇ પંથક છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત ધુમ્મસથી ઢંકાઇ ગયો હતો. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતાં શૂન્ય વિઝિબિલિટી થઇ ગઇ હતી.
ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે ઘણાબધા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો.સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે ભૂજમાં 43 ડિગ્રી, નલિયામાં 40 કંડલામાં 42, અમરેલીમાં 41, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43, ગાંધીનગર અને અમદાવાદમાં 40, ડીસામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વજોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. વડોદરાના ડભોઈ વિસ્તારમાં આજે વહેલી સવારથી મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઇ લોકો પણ આશ્ચર્યમા મુકાઇ ગયા હતા. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર શૂન્ય વિઝિબિલિટી થઇ જતાં નોકરી -ધંધાર્થે નિકળેલા લોકોને પોતાના વાહનોની હેડ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી. આ ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ડભોઇ પંથકમાં પથરાયેલું રહ્યું હતું.
ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતનાં વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. એક તબક્કે વરસાદી માહોલ જેવુ વાતાવરણ થઇ ગયું હતું. હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા કેટલાક વિસ્તારોમાં 10 એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદ પડવાનીની આગાહી કરવામાં આવી છે.