અમદાવાદ, 06 માર્ચ 2026: Development works worth Rs 2500 crore approved in AMC Standing Committee શહેરના મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત બે-ત્રણ દિવસમાં પુરી થાય છે. ચૂંટણીમાં નવી બોડી ચૂંટાઈ નહીં ત્યા સુધી વહિવટદારનું શાસન રહેશે. ત્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી હતી. જેમાં રૂપિયા 2500 કરોડના વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી.
અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 2500 કરોડના વિકાસકામોને મંજૂરી આપી હતી. શહેરમાં નવા રોડ, બ્રિજ, ડ્રેનેજ પાણી સહિતની અલગ અલગ સુવિધાઓના 215થી વધુ કામોને મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી સુધીમાં આ તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી શકે છે. મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10 માર્ચે ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થવા જઇ રહી છે, ત્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરના રૂ.2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડના રોડ પ્રોજેક્ટના કામો છે, આ સિવાય ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અલગ-અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે, તેના પરિણામે અમદાવાદનો વિકાસ રોકેટગતિએ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે. આગામી સમયમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપી થાય તે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ અપાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદમાં નરોડાથી નારોલ સુધી આઈકોનિક રોડની મંજૂરી આપવામાં આવી છે. સુભાષબ્રિજને ક્ષતિના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. હવે તેની ટેકનિકલ પ્રોસેસ પૂરી થતા સ્ટેન્ડિંગ કમિટીની અંદર સુભાષ બ્રિજના રિનોવેશન માટે રૂ. 240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય, ગુજરાત યુનિવર્સિટી તેમજ એલ.ડી એન્જિનિયરીંગ સહિતના વિવિધ ભવનો, હેરિટેજ ઈમારત, મંદિરને વધુ સારી રીતે વિકસાવવા રૂ.250 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં કાંકરિયા અને વસ્ત્રાપુર લેક છે, એવી રીતે સાઉથ બોપલની અંદર લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. જેમાં ભારતના દરેક રાજ્યના ફૂલોની પ્રતિકૃતિ જોવા મળશે. આમ, લોકોનો હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે એ રીતે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. અમદાવાદ દેશની પહેલી મહાનગરપાલિકા બનશે જેની એપ AI આધારિત હશે. પહેલાના સમયમાં કમ્પલેઈન ક્લોઝ થઈ જતી હતી, તેના બદલે પહેલા અને પછી એટલે કે, કામ થયા પહેલા અને પછીનો ફોટો અપલોડ થશે. શહેરમાં 100 જંક્શનના કામને મંજૂરી આપવામાં આવી હતી અને બીજા 25 જંક્શનને ડેવલોપ કરવામાં આવશે. અલગ-અલગ વોર્ડમાં હોલ, યુએચસી, બ્રિજ, ફૂટપાથ સહિતના વિવિધ રૂ.2500 કરોડ કરતા વધુ કામોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, શહેરની વિકાસની ગતિશીલતમાં વધારો થશે.


