
- નવ દિવસ સુધી શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરાશે,
- ભાવનગરમાં પ્રથમ નવરાત્રીથી દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન,
- શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો
ભાવનગરઃ શહેરથી 20 કિમી દુર આવેલા રાજપરા ગામ પાસે ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. પ્રથમ નવરાત્રીથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે. આજે બીજા નોરતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.અને માતાજીના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ખોડિયાર માતાજીના મંદિરમાં ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
માઁ આદ્યશક્તિ, માઁ જગદંબા-ભવાનીના નવલાં નોરતાંનો પ્રારંભ થતા ગોહિલવાડમાં શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. ભાવનગરના રાજપરા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ નવ દિવસ દરમિયાન શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના સાથે ભોળાભાવે ગુણગાન ગાવામાં આવે છે. નવલાં નોરતાંમાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ નોરતાંની ઊજવણી કરી રહ્યા છે. નોરતાં યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે. નવ દિવસ સુધી અવનવા વસ્ત્રોથી સજી-ધજીને ગરબે રમવા થનગની રહ્યાં છે. ભાવનગર શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓ, શેરીઓમાં નવરાત્રિના ગરબાના વિશેષ આયોજન કરાયા છે.
શહેર-જિલ્લામાં આવેલા વિવિધ મંદિરોમાં પણ નવરાત્રિ સંદર્ભેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગામડાઓમાં ભુંગળના સૂરે ભવાઈ, પ્રાચીન-અર્વાચીન ગરબીની પણ ધૂમ મચાવી રહ્યા છે. તો બીજી તરફ માઈભક્તો નવ દિવસ સુધી માતાજીના ખાસ અનુષ્ઠાન દ્વારા માઁને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે. નવરાત્રિના નવલાં દિવસોમાં શુભ માંગલિક કાર્યો માટે પણ લોકો તત્પર બન્યાં છે. આમ, નવલાં નવરાત્રીનું પર્વ રંગેચંગે ઊજવાય રહ્યુ છે.