અંબાજી, 26 માર્ચ 2026: Devotees thronged Shaktipeeth Ambaji for darshan ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. આજે ચૈત્રી નવરાત્રી આઠમ પર્વમાં શક્તિપીઠ ગણાતા અંબાજીના મંદિરમાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આદ્યશક્તિ જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે વહેલી સવારથી મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લીધા હતો.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એકમથી આઠમ સુધી મંદિરમાં દરરોજ બે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી માતાજીના મુખ્ય ગર્ભગૃહમાં અને બીજી આરતી મંદિરમાં ઘટ સ્થાપના પાસે કરવામાં આવી હતી. આજે આઠમના દિવસે વહેલી સવારે 6:00 કલાકે યોજાયેલી આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, નવમીથી એટલે કે આવતીકાલથી મંદિરમાં પૂર્વવત રીતે સવારની એક જ મંગળા આરતી કરવામાં આવશે.
ચૈત્રી નવરાત્રિના અવસરે અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરને અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિવિધ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલી સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફૂલોની સુગંધ અને રોશનીથી મંદિરનું વાતાવરણ દિવ્ય અને મનમોહક બની ગયું છે. માતાજીની આરાધના કરવા અને શક્તિપીઠના આશીર્વાદ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. કાળઝાળ ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


