
- લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપનગરમાં ડાયરિયાના 38 કેસ નોંધાયા
- મ્યુનિ.ની આરોગ્ય વિભાગની ટીમે ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો
- દૂષિત પાણીની ફરિયાદો ઉઠતા પાણીના સેમ્પલ લેવાયા
સુરતઃ શહેરમાં અસહ્ય ગરમીને લીધે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના લિંબાયત ઝોનમાં આવેલા મહારાણા પ્રતાપ નગરમાં છેલ્લા દસ દિવસમાં 38 થી વધુ ડાયરિયાના કેસ થતા મ્યુનિનું આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા પ્રતાપનગર વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે દરમિયાન ઝાડા ઊલટીના છ દર્દીઓ મળી આવ્યા હતા જેમાંથી ચાર સારવાર હેઠળ છે અને બેને રજા આપી દેવામાં આવી હતી.
સુરત શહેરના લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ નગરમાં છેલ્લા દસેક દિવસથી ઝાડા ઊલટીના વાવરની ફરિયાદ ઊઠી છે. દરમિયાન એક 22 વર્ષીય યુવકને મોડી રાત્રે ઝાડા ઊલટી થયા બાદ વહેલી સવારે તેનો મોત નીપજ્યું હતું. મ્યુનિના આરોગ્ય વિભાગ અને ઝોન દ્વારા આ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સોસાયટીના 920 ઘરમાં રહેતા 2800 લોકોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં છ વ્યક્તિને ઝાડા ઊલટીની અસર જોવા મળી હતી. ચાર દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બેને રજા આપી દેવામાં આવી છે.
શહેરના લિંબાયતના મહારાણા પ્રતાપનગરમાં ડ્રેનેજ અને બોરિંગનું પાણી મિક્સ થતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું કહેવાય છે. મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા ડ્રેનેજ ચેમ્બરમાં અંદરની સાઇટે ચણતર કરવામાં આવ્યું નથી તેને કારણે ગટરનું ગંદુ પાણી બોરિંગમાં ભળતું હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ છે. મ્યુનિના અધિકારીઓ ચકાસણી કરતા આ ફરિયાદમાં તથ્ય જણાયું છે જેના કારણે જરૂરી સૂચના આપવામાં આવી છે. મ્યુનિના આરોગ્ય વિભાગે બોરિંગના પાણીના પણ સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. (File photo)