1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં MPથી આવેલા યુવક-યુવતી પાસેથી 52.50 લાખનું ડ્રગ્સ મળ્યુ
અમદાવાદમાં MPથી આવેલા યુવક-યુવતી પાસેથી 52.50 લાખનું ડ્રગ્સ મળ્યુ

અમદાવાદમાં MPથી આવેલા યુવક-યુવતી પાસેથી 52.50 લાખનું ડ્રગ્સ મળ્યુ

0
Social Share
  • યુવક-યુવતી મધ્યપ્રદેશથી ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવ્યું હતુ
  • ક્રાઈમ બ્રાન્ચે યુવક-યુવતીને ડ્રગ્સ સાથે ઝડપી લીધા
  • ડ્રગ્સની વટવામાં એક શખસને ડિલિવરી કરવાની હતી

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની બદી વધતી જાય છે. પરપ્રાંતમાંથી કેરિયરો દ્વારા ડ્રગ્સ અમદાવાદ સહિત શહેરોમાં ઘૂંસાડવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સ લઈને આવેલા યુવક-યુવતીને ઝડપી લઈને રૂપિયા 52.50 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે યુવક-યુવતીના પૂછતાછ કરતા ડ્રગ્સનો જથ્થો અમદાવાદના વટવામાં શાહરૂખ નામના શખસને આપવાનો હતો. યુવતી અગાઉ પણ ડ્રગ્સની ડિલિવરી આપવા આવતી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અજય પ્રજાપતિ અને આનંદી ડામર નામની મહિલા મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સનો જથ્થો લઇને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર આવી રહ્યા છે અને નારોલ જવાના રોડ પર એક યુવકને ડિલિવરી આપવાના છે. ક્રાઈમ બ્રાન્ચે એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાનમાં એક યુવક અને એક મહિલા ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ તરફ આવીને ઉભા રહ્યા હતા. ક્રાઇમ બ્રાંચે બંનેની ધરપકડ કરી હતી.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ પકડાયેલા યુવકનું નામ અજય પ્રજાપતિ છે અને તે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના રામગઢ ગામનો રહેવાસી છે. જ્યારે મહિલાનું નામ આનંદી ડામર છે અને તે પણ મધ્યપ્રદેશના રતલામ જિલ્લા શૈલાના ગામની રહેવાસી છે. બન્નેની અંગઝડતી કરતા તેમની પાસે રહેલા થેલામાંથી પાર્સલ મળ્યા હતા. પાર્સલ મામલે ક્રાઇમ બ્રાંચે બન્નેની પૂછપરછ કરતા તે એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે તરતજ એફએસએલની ટીમને બોલાવી હતી. એફએસએલની ટીમ ઘટનાસ્થળે આવીને પાર્સલમાં મળી આવેલા સફેદ પાઉડરનુ પરિક્ષણ કર્યુ હતું. પરિક્ષણ કરતાજ સફેદ પાઉડર ડ્રગ્સ હોવાનું પુરવાર થતા ક્રાઇમ બ્રાંચે આનંદી અને અજયની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુવક-યુવતીની પ્રાથમિક પૂછતાછ કરતા એવી વિગતો મળી હતી કે, મધ્યપ્રદેશમાં આવેલા શૈલાના ખાતે કાળુ નામનો શખસ રહે છે જે ડ્રગ્સનો ધંધો કરે છે. આનંદી અને અજય ડ્રગ્સની ડિલિવરી વટવામાં રહેતા શાહરૂખ નામના વ્યકિતને આપવા માટે આવ્યા હતા. શાહરૂખ તેના સાગરીતોને રિક્ષા લઇને ડ્રગ્સ લેવા માટે મોકલતો હતો. ક્રાઇમ બ્રાંચે આનંદી અને અજય પાસેથી 52.50 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે. ક્રાઇમ બ્રાંચે આનંદી, અજય, શાહરુખ અને કાળુ વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડ્રગ્સ કેસમાં પકડાયેલી યુવતી આનંદીએ ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં જણાવ્યુ છે કે, તે કાળુના ઇશારે અમદાવાદમાં ત્રણ વખત ડ્રગ્સની ખેપ મારવા માટે આવી હતી. વટવાનો શાહરૂખ નામનો ડ્રગ્સ માફિયા હમેશા કાળુ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો. શાહરૂખ કોઇ દિવસ ડ્રગ્સનો જથ્થો લેવા માટે આવતો નહી. જ્યારે ડ્રગ્સ લઇને આનંદી આવી જાય ત્યારે શાહરૂખ તેના ઓળખીતા રિક્ષાચાલકને ડિલિવરી લેવા માટે મોકલતો હતો. એક ખેપ મારવાના આનંદીને હજારો રૂપિયા મળતા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code