
નવી દિલ્હીઃ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ મંગળવારથી ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની ભારતની પહેલી સત્તાવાર મુલાકાત હશે. આ માહિતી આજે સોમવારે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવી હતી. પ્રિન્સ હમદાન માત્ર દુબઈના ક્રાઉન પ્રિન્સ જ નથી, પરંતુ તેઓ યુએઈના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન પણ છે. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને એક મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે શેખ હમદાનના માનમાં એક ખાસ કાર્યકારી લંચનું આયોજન કરશે. આ ઉપરાંત, ક્રાઉન પ્રિન્સના વિદેશ મંત્રી એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે. દિલ્હી પછી, પ્રિન્સ મુંબઈની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારત અને યુએઈના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે એક વ્યાપાર ગોળમેજી પરિષદમાં ભાગ લેશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને દુબઈ વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને પરંપરાગત અને ભવિષ્યની ટેકનોલોજી સંબંધિત ક્ષેત્રોમાં.
તે જ સમયે, વિદેશ મંત્રાલયે કહ્યું કે દુબઈએ ભારત સાથે વેપાર, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. યુએઈમાં રહેતા આશરે ૪૩ લાખ ભારતીયોમાંથી, મોટી સંખ્યામાં લોકો દુબઈમાં રહે છે અને કામ કરે છે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી જયશંકરે આ વર્ષે 27-29 જાન્યુઆરીના રોજ યુએઈની મુલાકાત દરમિયાન ક્રાઉન પ્રિન્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તે મુલાકાતથી બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થઈ હોવાનું પણ કહેવાય છે.