
- AMCએ સ્ટોર્મ લાઈનનો કાન્ટ્રાક્ટ આપ્યો,
- જુની ડક્ટ તોડીને નવી RCCની લાઈન નંખાશે,
- અગાઉ ડક્ટ લાઈન નાંખવા સામે વિરોધ થયો હતો
અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ટોરેન્ટ પાવરથી રેડ ક્રોસ સુધી રૂ. 3.74 કરોડના ખર્ચે ડક્ટ લાઈન નાંખવામાં આવશે. વાસણા વિસ્તારમાં એએમસી દ્વારા પાંચ વર્ષ માટે અમુક જગ્યાએ ડકટ લાઇન નાખવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં જ્યારે ડકટ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે ધ્રુજારી થવાના કારણે સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિકોના વિરોધના પગલે કામગીરી બંધ કરાવી હતી. જોકે, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક પદ્ધતિથી વાસણા ટોરેન્ટ પાવરથી રેડ ક્રોસ સુધી રૂ. 3.74 કરોડના ખર્ચે ડક્ટ લાઈન નાંખવામાં આવશે. હયાત જૂની ડક્ટ લાઈન તોડીને નવી RCCની ડક્ટ લાઈન નાંખવામાં આવશે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં વર્ષ 2019માં પાલડી- વસાણા વિસ્તારમાં વરસાદી પાણી ભરવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી શ્રેયસ ક્રોસીંગ જયદીપ ટાવરથી જીવરાજ મહેતા હોસ્પિટલ થઈ જી.બી.શાહ કોલેજથી તેહવાડી કેનાલ સુધી હયાત ડકટ તોડી નવેસરથી બનાવવાની હતી. રૂ. 22 કરોડના ખર્ચે રેડ ક્રોસથી કેનાલ સુધી તથા આનંદ ફ્લેટથી ટોરેન્ટ પાવર સુધીની હયાત ડકટ તોડીને નવી RCCની ડકટ લાઈનની કામગીરી પૂરી કરાઈ હતી. જોકે, રેડ ક્રોસથી ટોરેન્ટ પાવર સુધીના ભાગમાં કામગીરી ચાલુ કરાવતાં નજીકમાં આવેલા લાઈટ વિભાગના કવાટર્સમાં વાઇબ્રેશન આવતા હોવાથી અને વર્ષો જુની બિલ્ડિંગ ભયજનક હોવાથી રહીશો અને કોર્પોરેટરોના વિરોધને પગલે આ કામગીરી બંધ રાખીને બાકીની કામગીરી પૂરી કરાઈ હતી. હવે રેડક્રોસથી ટોરેન્ટ પાવર સુધીના 210 મી.ની લંબાઈમાં અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ RCC નવી ડક્ટલાઈન બનાવેલી હોવાથી આ કામગીરી કરાવવી જરૂરી છે. આ કામગીરી માટે રોડ અને જૂની ડક્ટલાઈનનો સ્લેબ તોડવામાં વાઈબ્રેશન આવે એવી અદ્યતન કટર મશીનનો ઉપયોગ કરીને તથા ડામરના રોડને પણ વાઈબ્રેશન ન આવે તે હેતુથી મીલીંગ પદ્ધતિથી તોડવામાં આવશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ડક્ટ લાઈન બનાવવા રૂ.3.74 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે.