સુરત, 29 ઓગસ્ટ, 2026 : Ecocar hits bike and crashes into shop on highway અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના કોસંબા નજીક સાવા બ્રિજ પાસે એક ઈકો કારે બાઇકને ટક્કર મારી પલટી મારતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઇક પર સવાર બે લોકોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે જ સુરત જિલ્લામાંથી પસાર થતા NH-48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોસંબા નજીક હાઈવે પર સવા બ્રિજ ઉતરતી વખતે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ કોસંબા પાસે હાઈવે પર સવા બ્રિજ પરથી ઇકો કાર નીચે ઉતરી રહી હતી, ત્યારે ઇકો ચાલકે બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધા હતા. બાઈકને ટક્કર માર્યા બાદ ઇકો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી ઇકો રસ્તા પર આશરે 50થી 100 મીટર સુધી ઘસડાઈ રસ્તા નજીક આવેલી એક દુકાનમાં ઘૂસી પલટી મારી ગઈ હતી. પલટી ખાધેલી ઇકોના લીધે દુકાનનો સામાન વેરવિખેર થઈ ગયો હતો અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં ઇકો કારમાં સવાર ત્રણ પૈકી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ, બાઈક પર સવાર દંપતીને પણ અકસ્માતમાં ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
અકસ્માતના બનાવની જાણ થતાં 108ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે NH-48 પર ટ્રાફિકની ભારે અસર થઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે જિલ્લા ટ્રાફિક પોલીસ તથા કોસંબા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


