
દિલ્હીના હરિનગરમાં દિવાલ ધરાશાયી થતા આઠ વ્યક્તિના મોત
નવી દિલ્હીઃ દિલ્હીના હરિનગરમાં વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થવાથી ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જૈતપુર પોલીસ સ્ટેશન સ્થિત હરિનગરમાં બાબા મોહન રામ મંદિર પાસે સમાધિ સ્થળની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે લગભગ આઠ લોકો દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ આઠ લોકોના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, દૂર્ઘટનામાં આઠ લોકોમાં ત્રણ પુરુષો, બે મહિલાઓ, બે છોકરીઓ અને એક છોકરો છે. સાત લોકોના મોત બાદ, એક ઘાયલ હાસીબુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેનું પણ મોત નીપજ્યું હતું. દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, જૈતપુર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ બનાવમાં શબીબુલ (ઉ.વ. 30) રબીબુલ (ઉ.વ.30), મુત્તુ અલી (ઉ.વ. 45), રૂબીના (ઉ.વ. 25), ડોલી (ઉ.વ. 25), રૂખસાના (ઉ.વ.6), હસીના (ઉ.વ.7) અને હસીબુલનું મૃત્યુ થયું હતું.
જૈતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, શનિવારે હરિ નગર ગામ વિસ્તારની પાછળની ઝૂંપડપટ્ટી પર દિવાલ તૂટી પડતાં બે બાળકો સહિત આઠ લોકો અંદર દટાઈ ગયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે જ સમયે, આ ઘટના પછી તમામ વિભાગો સ્થળ પર હાજર છે. એડિશનલ ડીસીપી સાઉથ ઇસ્ટ ઐશ્વર્યા શર્માએ જણાવ્યું હતું કે અહીં એક જૂનું મંદિર છે અને તેની બાજુમાં જૂની ઝૂંપડપટ્ટીઓ છે. જ્યાં ભંગારના વેપારીઓ રહે છે. ભારે વરસાદને કારણે દિવાલ તૂટી પડી હતી. અકસ્માત દરમિયાન આઠ લોકો ફસાયા હતા, જેમને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.