અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રંગીન તહેવાર ગણાતા ધૂળેટી માટે વિવિધ રંગો અને પિચકારીઓની ખરીદી થઈ રહી છે. જો કે હાલ દુકાનો પર ખરીદી જોવા મળી રહી છે પણ એકાદ-બે દિવસમાં રોજ પર સ્ટોલ લાગી જશે. આ વખતે ઈલેક્ટ્રિક પિચકારીનો ટ્રેન્ડ વધુ જવા મળી રહ્યો છે. માત્ર અમદાવાદ જ નહીં પણ રાજકોટ, સુરત, વડોદરા સહિત શહેરોમાં પણ ધૂળેટી માટે વિવિધ રંગ અને પિચકારીઓની ખરીદી શરૂ થઈ છે.
હોળી અને ધૂળેટીનો તહેવાર હવે ગણતરીના દિવસોમાં આવી પહોંચ્યો છે. રંગ, આનંદ અને મંગના આ તહેવારમાં વિવિધ કલરના રંગો અને પિચકારીની ખરીદી શરૂ થઈ છે. અમદાવાદના રાયપુર દરવાજા તેમજ શાહપુર દરવાજા વિસ્તારમાં પિચકારી અને રંગની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જ્યારે રાજકોટના સદર બજારમાં પણ પિચકારી અને રંગોના સ્ટોલ્સથી બજાર જીવંત બની ગયું છે. આ વર્ષે વેપારીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હોલસેલ ખરીદી સારી એવી થઈ રહી છે અને રિટેઇલ ઘરાકી પણ સારી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે શરૂઆતથી જ હોલસેલમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ નવી વેરાયટીઓ માર્કેટમાં આવી છે. ખાસ કરીને ગનમાં આ વર્ષે ઇલેક્ટ્રિક ગનની 10થી 15 જેટલી નવી ડિઝાઈન ઉપલબ્ધ છે. બાળકોમાં ઇલેક્ટ્રિક ગન પ્રત્યે ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લાઇટ અને સાઉન્ડ સાથે આવતી ગન બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.
આ ઉપરાંત ફુવારાવાળી પિચકારીઓમાં પણ આ વર્ષે વિશાળ રેન્જ આવી છે. 4 ફુવારાથી લઈને 150 ફુવારા સુધી પાણી છોડતી પિચકારીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. નાના બાળકો માટે સરળ પંપવાળી પિચકારીથી લઈને મોટા ટેન્કવાળી હાઈ પ્રેશર ગન સુધી વિવિધ વિકલ્પો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટેન્ક સાથે આવતી પિચકારીમાં પણ અનેક નવી ડિઝાઈન અને કલર કોમ્બિનેશન આવ્યા છે, જે યુવાનોમાં વધુ લોકપ્રિય બની રહ્યા છે.
અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારના એક હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, મોટાભાગની પિચકારીઓ દિલ્હીથી મંગાવવામાં આવે છે. દિલ્હી માર્કેટમાં નવી ડિઝાઈન અને મોડલ્સ ઝડપથી ઉપલબ્ધ થતાં હોવાના કારણે અહીંના વેપારીઓ પણ ત્યાંથી જ માલ મંગાવે છે. આ વર્ષે ટેન્ક ગન, ઇલેક્ટ્રિક ગન અને મલ્ટી ફુવારાવાળી પિચકારીઓની માંગ વધુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રંગોની વાત કરીએ તો પરંપરાગત ગુલાલ સાથે સાથે હર્બલ રંગોની માંગ પણ વધી રહી છે. લોકો હવે સ્કિનને નુકસાન ન થાય તે માટે હર્બલ કલર તરફ વધુ ઝુકાવ બતાવી રહ્યા છે. લાલ, ગુલાબી, લીલા અને પીળા રંગોની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. નાના બાળકો માટે ખાસ સેફ અને સ્કિન-ફ્રેન્ડલી રંગો પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.


