Homeગુજરાતીગુજરાતગુજરાતમાં વીજળીની માગમાં એકાએક 36.6 ટકાનો વધારો, મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

ગુજરાતમાં વીજળીની માગમાં એકાએક 36.6 ટકાનો વધારો, મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

 ગાંધીનગર, 21 ઓક્ટોબર, 2026 : 36.6 percent increase in electricity demand ગુજરાતમાં વીજળીની માગમાં એકાએક 36નો વધારો થતાં વીજ સંકટ ઊભુ થયુ છે. રાજ્ય સરકારે ઉદ્યોગોને વીજ કાપ સહિત અનેક પગલાં લીધા છે. અને વીજ માગને પહોંચી વળવા તેમજ ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે કવાયત તેજ કરી છે. મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વીજળીની ઉપલબ્ધતા, કોલસાના પુરવઠા, સોલાર ઊર્જાના ઉપયોગ અને નવા વીજ ઉત્પાદન પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં 16 ઓક્ટોબરે અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માગ નોંધાઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષ 2031-32ની જરૂરિયાત માટે કેન્દ્ર સરકાર પાસે વધુ 5000 મેગાવોટથી વધુ વીજળીની ફાળવણીની માગ કરવામાં આવી છે. બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  ઊર્જા વિભાગના પ્રેઝન્ટેશન મુજબ, 16 ઓક્ટોબર, 2026ના રોજ રાજ્યમાં વીજ માગ 29,822 મેગાવોટ નોંધાઈ હતી. ગત વર્ષના ઓક્ટોબરમાં નોંધાયેલી 21,822 મેગાવોટની માગની સરખામણીએ આ વધારો 36.6% જેટલો છે. આ જ દિવસે રાજ્યનો દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ રહ્યો હતો, જે ગત વર્ષના ઓક્ટોબરના 457 મિલિયન યુનિટની સરખામણીએ આશરે 27% વધુ છે.

રાજ્યમાં ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન પણ વીજ માગમાં આશરે 4,000 મેગાવોટનો વધારો નોંધાયો છે. નબળા ચોમાસા બાદ ઊંચું તાપમાન, વાતાકૂલિત ઉપકરણોનો વધુ ઉપયોગ, ખેડૂતોને સિંચાઈ માટે વીજળીની જરૂરિયાત અને દિવાળીના તહેવારો પહેલાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં આવેલી તેજી તેના મુખ્ય કારણો ગણાવવામાં આવ્યાં છે. કૃષિ ક્ષેત્રનો વીજભાર દૈનિક મહત્તમ 12,000 મેગાવોટ સુધી પહોંચ્યો છે.

વીજળીની માગ વધતા જ તેને પહોંચી વળવા માટે ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી દોડી ગયા હતા. વીજ ઉત્પાદન માટે કોલસાનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન વધાર્યું છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી દરરોજ 10થી 11 રેલવે રેક અને નવેમ્બરથી દરરોજ 13થી 14 રેક કોલસો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. રાજ્યનાં વીજ મથકોમાં ઉપલબ્ધ કોલસાનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે પણ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર મહિના માટે 329 મેગાવોટ વીજળી ફાળવવામાં આવી છે. આસામના કેન્દ્ર સરકારના વીજ ઉત્પાદનના હિસ્સામાંથી લાંબા ગાળા માટે 551 મેગાવોટ વીજળી મળી છે.

ઊર્જા વિભાગના એક અધિકારીના કહેવા મુજબ રાજ્યમાં આશરે 12,000 મેગાવોટ સોલાર ઊર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ સૂર્યાસ્ત બાદ સોલાર ઉત્પાદન બંધ થતાં સાંજે 5થી રાત્રે 11 વાગ્યા દરમિયાન વીજ માગને પહોંચી વળવાનો પડકાર ઊભો થાય છે. પવન ઊર્જાના ઉત્પાદનમાં પણ અનિયમિતતા રહે છે. આવી સ્થિતિમાં કોલસા અને ગેસ આધારિત વીજ મથકો ઉપરાંત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular