
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાને આગળ ધપાવતી રોજગાર નિર્માણ, રોજગારક્ષમતા વધારતી કેન્દ્રિય યોજના રોજગાર સંબંધિત પ્રોત્સાહન (ઇએલઆઇ) વિશે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના (ઇ.એલ.આઇ સ્કિમ) વિશે જાણકારી આપતા એડિશનલ સેન્ટ્રલ પી.એફ. કમિશ્નર શ્રી સુદિપ્તા ઘોષે જણાવ્યું હતું કે આ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાનું ધ્યાન પહેલી વાર કામ કરતા કર્મચારીઓ પર છે. જેનો ઉદ્દેશ્ય ટકાઉ રોજગાર આપવા પર છે. આ યોજનાનો સમયગાળો 1 ઓગસ્ટ 2025 થી 21 જુલાઈ 2027 સુધીનો છે. ઉત્પાદન ક્ષેત્ર માટે ત્રીજા અને ચોથા વર્ષના લાભોની પણ જોગવાઈ છે. આ યોજનાની નોંધણી 01 જુલાઈ 2025થી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું માળખું બે પ્રકારનું છે.
ભાગ A : પહેલી વાર નોકરી કરતા કર્મચારીઓ માટે
આ ભાગ EPFO સાથે નોંધાયેલા પહેલી વારના કર્મચારીઓને બે હપ્તામાં 15,000 રૂપિયા સુધીનો એક મહિનાનો EPF પગાર ઓફર કરશે. 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે. પહેલો હપ્તો 6 મહિનાની સેવા પછી ચૂકવવાપાત્ર રહેશે અને બીજો હપ્તો 12 મહિનાની સેવા અને કર્મચારી દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ચૂકવવાપાત્ર રહેશે. આનાથી લગભગ 1.92 કરોડ પહેલી વાર કામ કરતા કર્મચારીઓને ફાયદો થશે.
ભાગ B : નોકરીદાતાઓ માટે
આ ભાગમાં તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીનું સર્જન કરવામાં આવશે, જેમાં નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા કર્મચારીઓના સંદર્ભમાં પ્રોત્સાહનો મળશે. સરકાર ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને 2 વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા સુધી પ્રોત્સાહન આપશે. ઉત્પાદન ક્ષેત્ર માટે, પ્રોત્સાહનો ત્રીજા અને ચોથા વર્ષ સુધી પણ લંબાવવામાં આવશે.
EPFO સાથે નોંધાયેલી સંસ્થાઓએ ઓછામાં ઓછા 6 મહિના માટે સતત ધોરણે ઓછામાં ઓછા 2 વધારાના કર્મચારીઓ (50થી ઓછા કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) અથવા 5 વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) રાખવા પડશે.