1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં જુના સચિવાલયમાં ઘટાદાર વૃક્ષો કાપી નંખાતા પર્યાવરણવિદોમાં રોષ
ગાંધીનગરમાં જુના સચિવાલયમાં ઘટાદાર વૃક્ષો કાપી નંખાતા પર્યાવરણવિદોમાં રોષ

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં ઘટાદાર વૃક્ષો કાપી નંખાતા પર્યાવરણવિદોમાં રોષ

0
Social Share

• જુના સચિવાલયમાં નવો બ્લોક બનાવવા વૃક્ષો કાપી નંખાયા
• લીલુંછમ ગણાતું ગાંધીનગર હવે ઉજ્જડ બનતું જાય છે
• વિકાસના નામે આડેધડ કપાતા વૃક્ષો

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં વિકાસના નામે લીલાછમ વૃક્ષો આડેધડ કાપવામાં આવી રહ્યા છે. એક સમયે ગાંધીનગર શહેર આસપાસ એટલાં બધા વૃક્ષો હતા કે પાટનગર લીલુછમ ગણાતું હતું. અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બન્ને બાજુએ જંગલની જેમ નજર નાખો ત્યાં સુધી ઘટાટોપ વૃક્ષો જાવા મળતા હતા. પણ છેલ્લા વર્ષોમાં ગાંધીનગરની વસતી અને વિસ્તારમાં મોટો વધારો થયો છે. વિકાસની સાથે જ લીલાછમ વૃક્ષોનો ખૂડદો બોલી ગયો છે. શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ અને રોડ-રસ્તાઓ પહોળા કરવા માટે અનેક વૃક્ષોનો ભોગ લેવાયો છે. ગાંધીનગરના જુના સચિવાલયમાં નવો બ્લોક બનાવવા માટે ઘટાટોપ વૃક્ષો ધડમુળમાંથી કાપવામાં આવતા શહેરના પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કર્યો હતો.

પાટનગર ગાંધીનગર શહેર એક સમયે સૌથી હરીયાળુ હતું પરંતુ સમયાંતરે વિકાસના કામો માટે મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા આ બિરૂદ ગુમાવી દીધું છે. નવા વૃક્ષો જે ઝડપે ઉછરી શકતા નથી તેની બમણી ઝડપે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. પરિણામે પાટનગરમાં હરિયાળી ઓછી થતી જાય છે. જૂના સચિવાલયમાં હાલ રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને નવા બ્લોક બનાવવામાં આવી રહ્યા છે જેના કામ માટે વર્ષો જૂના વડ, લીમડા, અશોક, પીપળા સહિતના ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવતાં પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. હજુ પણ આ સંકુલમાં વર્ષો જૂના વડના વૃક્ષો કાપવામાં આવશે.

શહેરની સંસ્થા પ્રકૃતિ રક્ષા અભિયાન દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને એવી રજુઆત કરવામાં આવી હતી કે, ગાંધીનગરનો વિકાસ થાય તે સારી બાબત છે પણ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢીને વિકાસ થાય તે યોગ્ય લાગતું નથી. આ પ્રકારનો વિકાસ આવનારી પેઢી માટે વિનાશક સાબિત થશે. આજના સમયમાં વૃક્ષોની સતત ઘટતી સંખ્યાને કારણે ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ જેવી પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ખુબ ગંભીર બનવા પામી છે. કાપવામાં આવેલા વૃક્ષો સામે તંત્રએ વાવેલા છોડ પૈકી કેટલા છોડ વિકસીને વૃક્ષ બની શકે છે તે હકીકત સૌ જાણે છે. આ વર્ષો જૂના વૃક્ષો કાપીને આપણે શહેરના નાગરિકો માટે અને આવનારી પેઢી માટે પર્યાવરણ અને આરોગ્ય બાબતે નુકસાનકારક પરિસ્થિતિનું નિર્માણ કરીશું. આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. જૂના સચિવાલય ખાતે વર્ષો જૂના વૃક્ષો કાપવાની કામગીરી અટકાવવા આદેશ થાય તે જરૂરી છે.

ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલમાં તબક્કાવાર બ્લોક બનાવવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે કામ આગળ ચાલે છે તે પ્રમાણે નડતરરૂપ વૃક્ષો હટાવવામાં આવી રહ્યા છે. આ માટે કુલ 46 વૃક્ષોનું માર્કીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી હાલ 20થી વધુ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જૂના સચિવાલય સંકુલમાં ઉભેલા વર્ષો જૂના દેશી પ્રજાતિના વડ, પીપળો, લીમડો, અશોક જેવા વૃક્ષો કપાતાં પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code