
આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, છ કામદારોનાં મોત
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના રાયવરમ મંડલ ખાયે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમ મંડલ ખાતે ફટાકડાના કારખાનામાં આજે થયેલા વિસ્ફોટમાં છ કામદારોના મોત થયા અને બે ઘાયલ થયા હતા. કામદારો ફટાકડા બનાવતા હતા ત્યારે આ ઘટના બની હતી. એકમમાં કોઈ ગેરરીતિને કારણે આ અકસ્માત થયો હોવાની સંભાવના છે. ઘાયલોને તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓ પાસેથી અકસ્માતના કારણો, વર્તમાન પરિસ્થિતિ, બચાવ કામગીરી, તબીબી સહાય અને અન્ય બાબતો વિશે પૂછપરછ કરી હતી.