પોરબંદર, 22 ઓગસ્ટ, 2026 : Fake milk racket જિલ્લાના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે જિલ્લા LCB પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ભેળસેળયુક્ત તથા શંકાસ્પદ દૂધ તૈયાર કરી સંગ્રહ કરવાના મામલે એક શખસને દબોચી લેવામાં આવ્યો છે. સ્થળ પરથી પોલીસને શંકાસ્પદ દૂધ ઉપરાંત દૂધમાં ભેળસેળ કરવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવતા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી.
જિલ્લાના કૂતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામના રબારીકેડા વિસ્તારમાં જય માતાજી દૂધની ડેરી પાસે રહેતો સરમણ ગોગનભાઈ કોડીયાતર શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીને આધારે જિલ્લા LCB પોલીસની ટીમે તેના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત દૂધ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું કુલ 75 કિલો સ્કીમ મિલ્ક પાઉડર પણ મળી આવ્યું હતું. જેમાં 25-25 કિલોના બે સંપૂર્ણ ભરેલા બાચકા તથા 25-25 કિલોના બે અડધા ભરેલા બાચકાનો સમાવેશ થાય છે.તપાસ દરમિયાન પામોલીન તેલના 14 ડબ્બા સહિત દૂધમાં ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતી અન્ય શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી હતી.
સમગ્ર મામલે LCB દ્વારા તાત્કાલિક ફૂડ સેફ્ટી અધિકારી વી.જે. ભાટુને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ તપાસ માટે કબજે કર્યા હતા. સ્થળ પર મળી આવેલું શંકાસ્પદ દૂધ નાશ કરવામાં આવ્યું હતું. આ મામલે સરમણ ગોગનભાઈ કોડીયાતર સામે ફૂડ એન્ડ ડ્રગ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


